Not Set/ સુરેન્દ્રનગર જિલ્લામાં 78 ગ્રામ પંચાયતો સમરસ બની,ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મોડી રાત્રે ચિત્ર સ્પષ્ટ બન્યું

ઝાલાવાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં શરૂ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોતરફ ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે.

Gujarat

સુરેન્દ્રનગર જીલ્લામાં 497 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. અને ગઇ કાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોડી રાત્રે સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી પત્ર ખેંચાયાની વિગતો મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 78 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જ્યારે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 109 પંચાયતો સમરસ થઇ હતી.

ઝાલાવાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં શરૂ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોતરફ ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો પ્રચારમાં પુરજોશમાં લાગી ગયા છે. અને લગ્ન પ્રસંગોમાં પણ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર અને બેઠકોનો દોર પુરજોશમાં ચાલી રહ્યોં છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં ચાર, લખતરમાં છ, લીંબડીમાં આઠ, ચૂડામાં પાંચ, સાયલામાં 10, ચોટીલામાં 17, થાનમાં 5, મૂળીમાં 11, ધ્રાંગધ્રામાં 5 અને દસાડા તાલુકામાં 7 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જીલ્લામાં ગઇ કાલે સરપંચ માટે અને સભ્ય પદ માટે ફોર્મ પરત ખેંચાયાની વિગતો મોડી રાત સુધી જાહેર થઇ ન હતી. જે સાથે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. નોંધનીય છે કે, છેલ્લા છ દિવસમાં જીલ્લાના દશ તાલુકાની ચૂંટણીમાં સરપંચ પદ માટે 1859 અને સભ્ય પદ માટે 7558 દાવેદારોએ ફોર્મ ભર્યા હતા.

ફોર્મ ચકાસણી કરવામાં આવતા કુલ 13 સરપંચના અને 91 વોર્ડ સભ્યના ફોર્મને અમાન્ય કર્યા હતા. જ્યારે ફોર્મ ચકાસણીમાં સરપંચના 1842 અને સભ્યના 7466 ફોર્મને ગાહ્ય રાખવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લામાં 10 તાલુકામાં 497 સરપંચ 4174 વોર્ડ માટે 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા 116 રીટનીંગ ઓફિસરો અને 116 જ આસિસ્ટન્ટ રીટનીંગ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના 17 ગામો જેવા કે, વિસનગર, આદરીયાણા, વાલેવડા, અંબાડા, ઝેઝરા, રૂસ્તમગઢ, જીવણગઢ, સુરજપુરા, છાબલી, ઝાડીયાણા, બુબવાણા, વઘાડા, કઠાડા, નાની મજેઠી, સિદઘસર, નાગડકા અને ઝેઝરી એમ 17 ગામો ચૂંટણી પહેલા જ સમરસ થયા હતા.