ગુજરાત ગૌરવ યાત્રા/ પ્રજાની નજરમાં ભાજપ એ ભરોસા પાત્ર અને કમળ એ વિકાસના વિશ્વાસનું પ્રતિક બન્યું છે : પૂર્વ નાયબ CM નીતિનભાઈ પટેલ

બહુચરાજી માં બહુચરના આશીર્વાદ લઈ પ્રસ્થાન થયેલી ગુજરાતના વિકાસની ગૌરવ યાત્રા વિરમગામ ખાતે પહોંચી હતી જ્યાં કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાજી, કેન્દ્રિય મંત્રી દાનવે રાવસાહેબ દાદરાવ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલજીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું.

Top Stories Gujarat
2 22 પ્રજાની નજરમાં ભાજપ એ ભરોસા પાત્ર અને કમળ એ વિકાસના વિશ્વાસનું પ્રતિક બન્યું છે : પૂર્વ નાયબ CM નીતિનભાઈ પટેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની “ગુજરાત ગૌરવ યાત્રાનું શુભારંભ માન.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. બહુચરાજી માં બહુચરના આશીર્વાદ લઈ પ્રસ્થાન થયેલી ગુજરાતના વિકાસની ગૌરવ યાત્રા વિરમગામ ખાતે પહોંચી હતી જ્યાં કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાજી, કેન્દ્રિય મંત્રી દાનવે રાવસાહેબ દાદરાવ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલજીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું.

ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બેચરાજી થી થયો અને કડી ખાતે સમાપન થયું. આ સમગ્ર યાત્રા અંદાજે કુલ 150 કિ.મી ફરી જેમાં 3 જાહેરસભા અને 2 સ્વાગતસભા તેમજ 3 સ્થળો પર યાત્રાનું સ્વાગત યોજવામાં આવ્યું હતું. કડીમાં ગૌરવ યાત્રા અંતર્ગત જાહેરસભાને સંબોધવામાં આવી હતી. આ જાહેરસભાને કેન્દ્રનામંત્રી દાનેવ રાવસાહેબ દાદારાવ, પ્રદેશ સંગઠનમંત્રી રજનીભાઇએ સંબોધન કર્યુ હતું ત્યાર બાદ પુર્વ નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય નીતિનભાઇ પટેલે સંબોધન કર્યુ હતું.

બહુચરાજી મંદિરેથી શરૂ થયેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા વિરમગામ પહોંચી હતી ત્યાં યોજાયેલી જાહેર સભાને કેન્દ્રિય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આજે વિરમગામની જનતાએ જે ભવ્ય રીતે યાત્રાનું સ્વાગત કર્યું છે તે બદલ હજુ તેમનો આભાર માનું છું. અગાઉ પણ એક વાર હું યાત્રા લઈને મોડી રાત્રે આવ્યો હતો. ભારે વરસાદ હોવાથી એક હોલમાં સભા યોજાઇ હતી ત્યારે પણ મોડી રાત સુધી આપ સૌ ભાષણ સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તે વિરમગામની જનતાને આગામી ચૂંટણીમાં ભાજપને મત આપો તેવું કહેવાની જરુર લાગતી નથી પરંતુ આપ સૌ બીજા લોકોને જઈને ભારતીય જનતા પાર્ટીની વાત કહેવાની છે

વધુમાં મંત્રીએ  સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, અગાઉ ની સરકારોમાં પીવાના પાણી અને રસ્તાની ઘણી બધી તકલીફો હતી. રથયાત્રા નીકળવાની હોય અને તોફાનો થાય અને કરફ્યુ થઈ જતો હતો એકવાર અમરેલીની એક જાન અમદાવાદનાં રેલ્વે સ્ટેશન ઉપર કરફ્યુના કારણે અટવાઈ હતી જેની મને જાણ થતાં એને લગ્નના મંડપ સુધી પહોંચાડવી પડી હતી. આવી પરિસ્થિતીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું અને આ બધા માફિયાઓને ભોય ભેગા કરી દેવામાં આવ્યા. કમળ છાપ RCC કરો જેથી કોઈ આવા અળસિયાઓ નીકળે નહીં. અમદાવાદની સાબરમતીની રિવાફ્રન્ટ જોઈને આનંદ થાય તેવી સાબરમતી છે. પહેલાની સરકારોમાં આ નદીના પટમાં સરકસો ઉતરતા હતા. તે સાબરમતી નદીને બે કાંઠે ભરવાનું કામ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. મોદી સાહેબે શપથ લીધા અને સાબરમતીમાં નર્મદાની નદીમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું.

રૂપાલાએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, નર્મદા યોજનાનુ કામ અગાઉ ની કોંગ્રેસ સરકારે થંભાવી દીધું હતું. તેના માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ઉપવાસ કરવા પડ્યા હતા તે નર્મદાના પાણી સંઘર્ષ કરીને પાણીને પહોંચાડવાનું કામ કર્યું છે. ભાજપની સરકારે કેવડીયાથી નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડયું છે. મેઇન કેનાલ ઢાંકી થી કચ્છમાં પાણી પહોંચાડવા માટે જે યંત્ર મોદી સાહેબે ગોઠવ્યું છે તે અદ્ભુત છે. ચારણકાનો સોલર પ્લાન્ટ નાખીને સૌથી વધુ સોલારથી વીજળી મેળવી છે.

રૂપાલાએ સંબોધન કરતાં જણાવ્યુ કે, મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશના 18 હજાર કરતાં વધુ ગામોમાં વીજળી નહોતી આજે કેન્દ્રની ભાજપ સરકારે વીજળી પહોંચાડી દીધી છે. ભૂતકાળની કોંગ્રેસ સરકારે ગુજરાતમાં ગાંડા બાવળોનું વાવેતર કરીને ગૌચરો રહેવા દીધા નથી. આ પરદેશી બાવળ હેરાન કરતો હોય છે કારણ કે, જે પાર્ટીના મૂળ જ પરદેશી છે તેની પાસે શું અપેક્ષા રખાય. ભારત સરકારના ગ્રામ પંચાયતોને મોદી સાહેબ ની સરકારે તેમના ખાતામાં સીધા પૈસા મોકલવાની શરૂઆત કરી છે. પંચાયતોએ આ પૈસા માટે કોઈને કગરવા જવાની જરૂર પડતી નથી, 10 કરોડ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન એક બટન દબાવી પૈસા મોક્લાવે છે આનું નામ સત્તાનું પરીવર્તન કહેવાય. મોદી સાહેબ પ્રધાનમંત્રી છે એટ્લે જ આ શક્ય છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પ્રધાનમંત્રી છે તેના મૂળમાં ગુજરાતની જનતા જનાર્દન છે.

રૂપાલાજીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, આ 15 મી ઓગસ્ટના રોજ ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો દેશભરમાં તિરંગો ફરક્યો સાથે સાથે વિદેશોમાં પણ તિરંગો ધ્વજ લહેરાયો અમે નાના હતા ત્યારે ગાતા હતા, “વિજય વિશ્વ તિરંગા પ્યારા” તેનો અર્થ આજે સમજાય છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે યુક્રેનમાંથી નિકળનારા લોકોએ પોતાના હાથમાં ત્રિરંગો રાખ્યો અને ત્યારે તેમના ઉપર કોઈ હુમલો ન થયો અને સલામત પરત ફર્યા, આ બદલાતા ભારતની તસવીર છે, યુક્રેનથી નીકળનારા પાકિસ્તાની લોકો પણ ભારતનો ત્રિરંગો લઈને નીકળ્યા હતા. લોકોને કહેજો કે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાબદા રહેવાની જરૂર છે કારણ કે, વિકાસની પથરેખાને કોઇથી વિખેરવા ન દેવાય. રાજયમાં ડબલ એન્જિનની સરકારથી ગુજરાતમાં વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે. લોકોની વચ્ચે જઈને આપણી સરકારના કામોની વાત કરો અને આવનાર ચૂંટણીમાં એડી ચોટીનું જોર કરી ભાજપ તરફી મતદાન થાય તેવી અપીલ કરી હતી.

કેન્દ્રિય મંત્રી દાનવે રાવસાહેબ દાદરાવે સંબોધન કરતાં જણાવ્યુ કે, ગૌરવ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે તે જનતાની વચ્ચે રજૂ કરવાની યાત્રા છે. કેન્દ્રમાં માન.નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર ગરીબો માટે છેવાડાના માનવી સુધી સરકારના લાભો મળે તે માટે પ્રયત્નશીલ છે. 80 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે, તેમના માટે ઘઉં પ્રતિકીલો રૂ.02 માં તેમજ ચોખા પ્રતિકીલો રૂ.03 માં ગુજરાત સરકાર આપી રહી છે. કોઈ ગરીબનો ચૂલો ન સળગે તેવું ન થાય અને કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે તેની ચિંતા માત્ર ભાજપની સરકારે કરી છે. 11 કરોડ કિસાનોને કિસાન સન્માન નિધિ તથા દેશની કરોડો મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સંબોધન કરતાં જણાવ્યુ કે, આજે સૌરાષ્ટ્ર અને અમદાવાદના પ્રવેશદ્વાર વિરમગામથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગૌરવ યાત્રા બેચરાજી થી બહુચર માતાજીના આશીર્વાદ લઈ યાત્રાનો પ્રારંભ થયો છે. 20 વર્ષ સુધી ગુજરાતનું નેતૃત્વ કરી ગુજરાત અને દેશની વિકાસની યાત્રાનું નેતૃત્વ કરનાર માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસના કાર્યોને ઘર-ઘર સુધી પહોંચાડવાના છે. દર ચોમાસામાં જેમ બિલાડીની ટોપ ફૂટી નીકળે તેમ ચૂંટણી આવે ત્યારે જુદા-જુદા રાજકીય પક્ષો ચૂંટણી ટાણે દેખાતા હોય છે. આપણે ત્યાં નળ સરોવર તથા થોળ તળાવમાં બહારથી પક્ષીઓ આવે અને શિયાળો પુરો થાય ત્યારે જતાં રહે એમ ગુજરાતમાં પણ અત્યારે જુદી-જુદી પાર્ટીના લોકો ક્યારેય દેખાતા ન હોય તેવા લોકો ગુજરાતમાં આવી રહ્યા છે. આપણાં સુખે સુખી અને આપણાં દુખે દૂ:ખી એવા ભાજપના કાર્યકર્તાઓ કાયમ આપણી વચ્ચે રહેવાના છે. વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા  અમિતભાઈ શાહ ભારતની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતની આ ગૌરવશાળી વિકાસ યાત્રાને સતત અવિરત પણે ચલાવવાની છે.

નીતિનભાઈએ વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસના સાશનમાં કડી તથા વિરમગામ અને અમદાવાદ જીલ્લાની સ્થિતિ શું હતી તે આપણે સૌ જાણીએ છીએ. સાણંદ, બાવળા તથા આ વિસ્તારના ખેડૂતોની ડાંગર સુકાવા નથી દીધી. વિરમગામમાં રોડ રસ્તાની સુવિધાઓ, મામલતદાર કચેરી, મહાત્મા ગાંધી હોસ્પિટલ, ભૂગર્ભ ગટર, નર્મદાના યોજનાનો લાભ ભાજપ સરકારના માધ્યમથી મળ્યો છે. નર્મદા યોજના માટે  નરેન્દ્રભાઈ મોદીજીને ઉપવાસ પર બેસવું પડ્યું હતું. ગુજરાતની 06 કરોડ જનતામાંથી ચાર કરોડથી વધુ લોકોને નર્મદાનું પીવાનું પાણી મળી રહ્યું છે તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી છે. કોરોના કાળમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારે વિવિધ પગલાઓ લઈને કોરોના જેવી મહામારીનો સામનો કર્યો. વેક્સિનેશનના સુરક્ષા ચક્રથી લોકોને સુરક્ષિત કર્યા. કોરોનામાં શ્રમિકોને વતન પહોંચાડયા તથા ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણની વ્યવસ્થા કરી. પ્રજાની નજરમાં ભાજપએ ભરોસા પાત્ર અને કમળ એ વિકાસના વિશ્વાસનું પ્રતિક બન્યું છે. આવનારા દિવસોમાં ચૂંટણી યોજાય ત્યારે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડશો તેવી નમ્ર વિનંતી છે.