Not Set/ પ્રથમ વન-ડેમાં આફ્રિકાએ ભારતને 31 રનથી હરાવ્યું

પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31 રને હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

Top Stories Sports
8 15 પ્રથમ વન-ડેમાં આફ્રિકાએ ભારતને 31 રનથી હરાવ્યું

બોલેન્ડ પાર્ક ખાતે રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31 રને હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટે 296 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં આઠ વિકેટે 265 રન જ બનાવી શકી હતી. ભારત એક સમયે બે વિકેટે 152 રન બનાવીને જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ તે પછી ભારતે 62 રન ઉમેરતા તેની છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર આઠ વિકેટે 214 રન થઈ ગયો અને તેની હાર નક્કી થઈ ગઈ.

 

 

 

ભારતે 46 રનની મજબૂત શરૂઆત કરી હતી પરંતુ કેપ્ટન લોકેશ રાહુલ 12 રન બનાવીને એડન માર્કરામની બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. શિખર ધવને વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. શિખરે 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા પરંતુ તે લેફ્ટ આર્મ સ્પિનર ​​કેશવ મહારાજના હાથે બોલ્ડ થયો હતો.

સુકાનીપદમાંથી મુક્ત થયા બાદ રમી રહેલા વિરાટે પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે પછી તે ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીના બોલ પર બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટે 63 બોલમાં 51 રનમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટની વિકેટ પડતાની સાથે જ ભારતનો સંઘર્ષ પણ સમાપ્ત થઈ ગયો. કોહલીના આઉટ થયા બાદ રિષભ પંત અને શ્રેયસ અય્યરે 33 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી, પરંતુ  શ્રેયસ અય્યર આઉટ થતાં ભારતને મોટો ફટકો આપ્યો હતો.

શ્રેયસ અય્યર 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત પણ 22 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેબ્યૂ મેચ રમી રહેલો વેંકટેશ અય્યર બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શાર્દુલ ઠાકુરે એકતરફી લડત આપી હારનું માર્જિન ઓછું કર્યું. ઠાકુરે છેલ્લા બોલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઠાકુર 43 બોલમાં 50 અને જસપ્રિત બુમરાહે 23 બોલમાં 14 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગીસાની એનગીડી, તબરેઝ શમ્સી અને એન્ડીલે ફેહુકાયોએ બે-બે વિકેટ લીધી હતી.