PMAY-U/ ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘર બાંધવામાં આવ્યા,રાજ્યમંત્રી કૌશલ કિશોરે આપ્યો જવાબ

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે

Top Stories Gujarat
6 3 2 ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘર બાંધવામાં આવ્યા,રાજ્યમંત્રી કૌશલ કિશોરે આપ્યો જવાબ

શહેરી (PMAY-U) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૂ. 2398.44 કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, દેશના 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ રૂ. 47,332 ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે ના.વ.2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે.કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી  કૌશલ કિશોરે આ માહિતી જુલાઈ 24, 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (BLC), ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP) અને સ્વ-સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (ISSR), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક રૂ. 3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક રૂ. 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા.

નિવેદન અનુસાર, PMAY-U હેઠળ, આશરે રૂ. 2 લાખ કરોડની કેન્દ્રિય સહાસ સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી 10.07.2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ રૂ. 1.47 લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.

મંત્રીના નિવેદન અનુસાર, CLSSને બાદ કરતાં, PMAY-Uનો અમલીકરણ ગાળો અગાઉ 31.03.2022 સુધી નિર્ધારીત કરવામાં આવ્યો હતો, જે હવે ફંડિંગની પેટર્ન કે અમલીકરણની પદ્ધતિમાં બદલાવ વગર 31.12.2024 સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ 31.03.2022 સુધીમાં મંજૂરી પામેલા તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.