આરોપી/ વડોદરામાં કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને ભાગડનાર સૂત્રધાર ઝડપાયો

વિકાસ કશ્યપને ઝડપપોલીસે પકડ્યો ત્યારે આરોપી દેશી તમંચા રાખતો હોવાની કબૂલાત કરી હતી અને તેને અગાઉ હવામાં ફાયરિંગ કર્યુ હોવાનું પણ કબૂલ્યું હતું. આરોપી એન્થોનીને MPમાં છોડ્યાનો ખુલાસો પણ કર્યો હતો.

Top Stories Gujarat Vadodara
એન્થોની

વડોદરામાં થોડા સમય પહેલા કુખ્યાત આરોપી ફરાર થવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોનીને ભગાડનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. આરોપી વિકાસ કશ્યપને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે વિકાસ કશ્યપને ઝડપપોલીસે પકડ્યો ત્યારે આરોપી દેશી તમંચા રાખતો હોવાની કબૂલાત કરી હતી અને તેને અગાઉ હવામાં ફાયરિંગ કર્યુ હોવાનું પણ કબૂલ્યું હતું. આરોપી એન્થોનીને MPમાં છોડ્યાનો ખુલાસો પણ કર્યો હતો. પોલીસે તમંચા, કારતૂસ સહિત તૂટેલો તમંચોને જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિકાસની અન્ય ગુનામાં સંડોવણીની પણ તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની દીકરીને મળવાના બહાને પોલીસને ચકમો આપી સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને 07 દિવસ વિત્યા છતાં પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. દરમિયાન આ ગુનામાં કાર હંકારનાર વોન્ટેડ ડ્રાઈવરે પોલીસની ધરપકડથી બચવા અત્રેની સેસન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ ગુજારી હતી. જે અરજીની સુનાવણી ગતરોજ હાથ ધરાતા અદાલતે અરજદાર આરોપીના આગોતરા જામીન નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

અરજદાર આરોપી તરફે વકીલએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપી શરીક હુસેન  સિરાજમહંમદ મકરાણી ( રહે – મકરાણી મહોલ્લો , છોટાઉદેપુર ) ને ખોટી રીતે ગુનામાં સંડોવી દેવામાં આવ્યો છે. તેઓ ડ્રાઇવિંગનું કામ કરે છે. અને માત્ર વર્ધિ મળતા તે આવ્યો હતો. તે આ ગુનામાં સંડોવાયેલા અન્ય કોઈ આરોપીઓને ઓળખતો નથી અથવા કાવતરામાં કોઈ ભાગ ભજવ્યો નથી. તો સામા પક્ષે સરકાર તરફે વકીલ એ.એમ. દેસાઈએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપી અન્ય આરોપીઓ સાથે મળી કાવતરું રચી કાર છોટાઉદેપુરથી અન્ય આરોપી સાથે સયાજી હોસ્પિટલ લાવી મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એનથોનીને બેસાડી હોટલમાં લઈ ગયો છે. ત્યારબાદ કાર સયાજી હોસ્પિટલ ખાતે બિનવારસી હાલતમાં મૂકી નાસી છૂટ્યો છે. તપાસ દરમિયાન કાર કબજે લેવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે એનથોની હજુ વોન્ટેડ છે. જેથી આ ગુનામાં અરજદારની પ્રથમ દર્શનીય સંડોવણી હોવાનું ફલિત થાય છે. તપાસ હેતુ અરજદાર આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત છે. ન્યાયાધીશ પિયુષ એમ. ઉનડકટએ બંને પક્ષોની દલીલો, લેખિત મૌખિક પુરાવા અને તપાસ અધિકારીનું સોગંદનામું ધ્યાને લેતાં નોંધ્યું હતું કે,અરજદાર આરોપીની આ ગુનામાં પ્રથમ દર્શનીય સંડોવણી હોવાનું હાલના તબક્કે માની શકાય તેમ છે. તપાસ અધિકારી દ્વારા તપાસ કરવા છતાં અરજદાર મળી આવ્યા નથી. અને આરોપીએ તપાસમાં સહકાર આપ્યો ન હોય તપાસ અધૂરી છે. હાલના તબક્કે આગોતરા જામીન આપવામાં આવે તો તપાસમાં સહકાર ન આપે તેવી દહેશત તપાસ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને હાલના તબક્કે નજર અંદાજ કરી શકાય તેમ નથી. તેથી અરજદાર આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન યોગ્ય જણાય છે.

કુખ્યાત ગુનેગાર એન્થોનીને ભગાડવાના ચકચારી બનવામાં સંડોવાયેલા પીએસઆઇ ડામોર, આરોપી એન્થોનીની પત્નિ અને બહેન તેમજ અન્ય ત્રણ આરોપીઓએ જામીન અરજી મુકી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ તમામ અરજદારોની અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બૂટલેગર અનિલ ઉર્ફે એન્થોનીને તા.6 મેના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેના બંદોબસ્તમાં પીએસઆઇ જે.પી.ડામોર હતા. આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણતા હોવા છતાં પીએસઆઇ તેને હોટલ પુજા પર લઇ ગયા હતા.જ્યાં એન્થોનીને મળવા માટે તેની પત્ની અને બહેન સહિતના લોકો આવ્યાં હતા. પીએસઆઇ આરોપીને હોટલમાં મુકીને જમવા માટે જતા રહ્યાં હતા અને એન્થોની ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં પીએસઆઇ જે.પી.ડામોર, એન્થોનીની પત્નિ સુમન, તેની બહેન જયશ્રી તેમજ એન્થોનીને ભગાડવામાં મદદ કરનાર આરોપી અજય ગાયકવાડ, મેહુલ ચાવડા અને કશ્યપ સોલંકીએ જામીન અરજી મુકી હતી. સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરાઇ હતી કે, એન્થોનીને ભગાડવામાં તમામ અરજદારોની ભુમીકા સ્પષ્ટ જણાઇ રહી છે. પીએસઆઇ ડામોર એન્થોનીના ગનાહીત ભૂતકાળથી વાકેફ હોવા છતાં તેને હોટલમાં લઇ ગયા હતા અને તેને હોટલમાં મુકીને જમવા જતાં રહ્યાં હતા. ન્યાયાધીશે બન્ને પક્ષે રજૂઆત સાંભળી તમામની જામીન અરજી નામંજૂર કરી હતી.

Above 1 વડોદરામાં કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને ભાગડનાર સૂત્રધાર ઝડપાયો

આ પણ વાંચો : ગીર સોમનાથનાં સરખડીની છ દીકરીઓ વોલીબોલમાં ચેમ્પિયન