સીબીઆઈ હાલ વિવાદોમાં ઘેરાઈ ગયું છે જેને કારણે રાજકારણ પણ ગરમાયું છે. શુક્રવારે મમતા બેનર્જીએ પણ આ મામલે બીજેપી પર વાર કર્યો છે. તેમણે બીજેપી એ સીબીઆઈનો દુરુપયોગ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.
પોતાના રાજનૈતિક ફાયદા માટે બીજેપી કઈ પણ કરી શકે છે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે બીજેપી સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. તે દેશની સીબીઆઈ અને આરબીઆઈને બર્બાદ કરી રહ્યા છે. પોતાના રાજનૈતિક ફાયદા માટે સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે અને સીબીઆઈને પણ સરકારની હા માં હા કરનારી એજન્સી બનાવી દીધી છે.
વધુમાં તેમણે કહ્યું કે બીજેપીના નેતા સીબીઆઈને આ બધું કરવા માટેના આદેશ આપી રહી છે. આરબીઆઈ એટલે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મામલે પણ બીજેપીએ આવા નાટકો જ કર્યા હતા.
પદ પરથી હટાવવા બદલ શું કહ્યું આલોક વર્માએ ?
સીબીઆઈના ચીફ પદ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ કહ્યું છે કે જુઠા, અપ્રમાણિત અને ઘણા હલકા આરોપોને આધાર બનાવીને તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આ આરોપો એવા વ્યક્તિએ લગાવ્યા છે જે મારા પ્રત્યે દ્વેષ રાખે છે.
ગુરુવારે પીટીઆઈ સાથે વાતચીતમાં આલોક વર્માએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સીબીઆઈ ઉચ્ચ સાર્વજનિક સ્થાનોમાં ભ્રષ્ટાચારની તપાસ કરનારી એક પ્રમુખ એજન્સી છે, એક એવી સંસ્થા કે જ્યાં સ્વતંત્રતાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવામાં આવે છે. હું આ સંસ્થાની સાખ બની રહે તે માટેના પ્રયત્નો કરતો હતો પરંતુ હાલ તેને નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પદ સોંપ્યા બાદ આલોક વર્માએ આપી દીધું રાજીનામું
તમને જણાવી દઈએ કે, સીબીઆઈના ચીફ પદ પરથી હટાવીને આલોક વર્માને હાલ ડીજી ફાયર સર્વિસ, સીવીલ ડીફેન્સ અને હોમગાર્ડ બનાવવામાં આવ્યા હતા. શુક્રવારે અલોક વર્માએ હવે આ પદ સંભાળવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.