પટણા: બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી પાસે આશા છે કે તેઓ ગત વર્ષે પૂર રાહત માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ અંગે કોઈ નિર્ણય કરશે. નિતીશે સોમવારે આ મુદ્દે બોલતા કહ્યું હતું કે, હાલમાં કેન્દ્ર દ્વારા જે રૂ. ૧૭૦૦ કરોડની રકમ આપવામાં આવી છે તે ઉચિત નથી. નિતીશે કહ્યું હતું કે, જયારે પૂર રાહતની મદદમાં મંત્રીમંડળ સમિતિ દ્વારા નિર્ધારિત રકમના વિષયમાં જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજીને વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને પણ આ વિષય અંગે માહિતગાર કરાવ્યા હતા.
બિહાર સરકારે ગત વર્ષે પૂર પછી કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૭૩૦૦ કરોડના વળતરની માંગણી કરી હતી. નિતીશના જણાવ્યા મુજબ અધિકારીઓની જે ટીમે પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું તેમણે રાજ્યને ૧૭૦૦ કરોડથી વધુ રકમ આપવાની ભલામણ કરી હતી જેને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે નામંજૂર કરી દીધી હતી. પરંતુ નિતીશે કહ્યું કે હવે ઉચ્ચત્તમ સ્તર પર તેમણે બધાના ધ્યાનમાં આ વાતને લાવી દીધી છે અને આશા છે કે, આ સંબંધમાં જલ્દીથી નિર્ણય લેવામાં આવશે.
પરંતુ પાક વીમા યોજનાની બદલે કિસાન સહાયતા સ્કીમ લાવનાર નિતીશે કહ્યું કે, આ કોઈ કેન્દ્રની યોજનાને નકારવાની નથી પરંતુ રાજ્યના હિતની યોજના છે. તેમણે કહ્યું કે બિહારે પોતાનો પ્રયોગ શરૂ કર્યો છે. તેનો મુખ્ય ઉદેશ એ જ છે કે વીમા કંપનીઓના સ્થાને સરકારી એજન્સીઓના માધ્યમથી કામ કરવામાં આવી રહ્યું છે.