રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં સત્તાધારી BJP માં નેતાઓના જૂથોમાં ‘ચેક અને મેટ’ના ખેલ પણ શરુ થઈ ગયા છે. એ પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહની જયપુર, જોધપુર અને ઉદયપુર વિભાગની સભાઓ હોય કે પછી મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રા, પાર્ટીમાં જૂથબંધી ખુલીને જોવા મળી રહી છે.
અત્યાર સુધી આંતરિક ખેંચતાણ, ભાઈ-ભત્રીજાવાદ, જૂથબંધી જેવા શબ્દો હતા કે, જેને બીજેપી (BJP) ના લોકો કોંગ્રેસની સંસ્કૃતિ ગણાવતા હતા. સામાન્ય રીતે બીજેપી પોતાને ‘પાર્ટી વિથ ડિફરન્સ’ કહે છે. દાવો કરવામાં આવે છે કે, કેડર આધારિત બીજેપી જ એકલી એવી પાર્ટી છે, જ્યાં લોકતંત્ર છે અને જૂથવાદ અથવા આંતરિક ખેંચતાણ તો ક્યારેય નથી. પરંતુ હવે લાગી રહ્યું છે કે એવું નથી. જૂથબંધી હવે બીજેપીમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
કોંગ્રેસે લીધો એકજૂથતાનો સંકલ્પ
એક તરફ રાજસ્થાન કોંગ્રેસમાં એકજૂથતાનો સંદેશો આપવા માટે પાર્ટીના મોટા નેતાઓ એક સાથે બસમાં બેસીને સંકલ્પ રેલીઓમાં જઈ રહ્યા છે. જયારે કરૌલીમાં કોંગ્રેસની સંકલ્પ રેલીમાં જયારે સભાસ્થળની ચારે તરફ લાંબો સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ એક કાર્યકરની મોટરસાયકલ લઈને અશોક ગેહલોતને પોતાની પાછળ બેસાડીને રેલીના સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સાગવાડાની રેલીમાં આ બંને નેતાઓની દોસ્તીનું સ્વાગત પણ કર્યું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની સંકલ્પ રેલીઓ ઉપસ્થિત થતાં અગાઉ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ ખુદ મહાસચિવ અશોક ગેહલોતને લેવા માટે તેમના નિવાસસ્થાન પર જાય છે. બંને નાસ્તાની સાથે ટેબલ પર રેલીમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ અંગે ચર્ચા કરે છે. આ પછી એક બસમાં સવાર થઈને સમગ્ર ટોચના નેતાઓ જેમાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે, સી.પી. જોશી, અશોક ગેહલોત, ભંવર જિતેન્દ્ર સિંહ, મોહન પ્રકાશ અને સચિન પાયલટ એક સાથે રેલીના સ્થળ પર પહોંચે છે.
વસુંધરા અને શેખાવત વચ્ચેનું અંતર હજુ ઘટ્યું નથી
પરંતુ BJP માં પ્રદેશ અધ્યક્ષના મુદ્દા પર ઉભરી આવેલી જૂથબંધી હજુ પણ સતત વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ પદની માટે પાર્ટીના હાઈકમાન્ડે જોધપુરના સાંસદ અને કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ નક્કી કર્યું હતું. પરંતુ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ શેખાવતના નામ સામે વીટો વાપર્યો હતો અને પોતાના જૂથના નેતાઓ પાસેથી તેનું સમર્થન કરાવ્યું હતું. વસુંધરા રાજેનું આ વલણ સીધું પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને પડકારવા વાળું હતું.
બે તરફથી ચાલી રહ્યું છે બીજેપીનું પ્રચાર અભિયાન
ગજેન્દ્રસિંહ શેખાવત પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદ છે. આ માટે શાહે તેમને પ્રદેશ અધ્યક્ષ ન બનાવી શકવાના કારણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવીને તેનું વળતર આપ્યું છે. બીજી તરફ ઉલ્લેખનીય વાત એ છે કે, રાજસ્થાનમાં બે તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. એકનું નેતૃત્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ગૌરવ યાત્રાના માધ્યમથી કરી રહ્યા છે. જયારે બીજી તરફ પ્રચાર અભિયાનની કમાન ખુદ અમિત શાહે સંભાળી રાખી છે.
વસુંધરાના બદલે મોદીના કામ અંગે મત માંગતા અમિત શાહ
અમિત શાહ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં અમિત શાહ જયપુર, જોધપુર, ઉદયપુર અને કોટા વિભાગમાં પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તા અને સમાજના વિવિધ વર્ગોને મળ્યા છે. આ સભાઓમાં શાહે વસુંધરા રાજેના કામકાજના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજ ઉપર મતો માંગી રહ્યા હતા.
અમિત શાહે આ કાર્યક્રમોમાં બીજેપીના મહાસચિવ ઓમ માથુર અને ગજેન્દ્રસિંહ શેખાવત તો જોવા મળતા હતા, પરંતુ મુખ્યમંત્રી વસુંધરા રાજે એક પણ વખત શામેલ થયાં ન હતાં. શેખાવતની જેમ ઓમ માથુરને પણ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિરોધી માનવામાં આવી રહ્યા છે.
જૂથબંધીમાંથી કેવી રીતે બહાર આવશે બીજેપી?
રાજસ્થાનમાં બીજેપીના ગઢ હાડોતી વિસ્તારના કોટામાં ફરી એક વખત જૂથબંધી સામે આવી હતી, જયારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પ્રતાપ સિંહ સિંધવીએ એક ટ્વીટમાં બીજેપીના કદાવર નેતા અને સાંસદ ઓમ બિરલાની વિરુદ્ધમાં ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સાંસદને આપકો ગોલી દે દી અધ્યક્ષજી’.
જો કે આ પછી તેમણે પોતાનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું હોવાનું જણાવી સ્પષ્ટતા પણ કરી હતી. જયારે કોટા વિભાગના ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ અમે ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલ વચ્ચે પણ અણબનાવ છે. ધારાસભ્ય ગુંજલને કેન્દ્રીય નેતૃત્વને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી કેમ ગૌરવ યાત્રામાં તેમની બેઠકમાં યોજાયેલી સભામાં સ્થાનિક નેતૃત્વ ગેરહાજર રહ્યું હતું.
22 સપ્ટેમ્બરે બીજેપી અધ્યક્ષ અમિત શાહની ગંગાપુરની સભામાં પણ રાજ્યસભા સાંસદ કિરોડી લાલ મીણા અને ધારાસભ્ય માન સિંહ ગુર્જરના સમર્થકોની ઉગ્ર બોલાચાલીએ અમિત શાહને નારાજ કરી દીધા હતા. અમિત શાહે રેલી દરમિયાન બંને જૂથોને શાંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.
મેવાડ અને ઉદયપુરમાં પણ જૂથબંધી
મેવાડ અથવા ઉદયપુર વિભાગમાં પણ સત્તાધારી બીજેપી જૂથબંધીનો સામનો કરી રહ્યું છે. મેવાડમાં પાર્ટીનું સૌથી મોટું જૂથ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાનું છે. કટારિયાના સખત વિરોધી માનવામાં આવતા નિર્દલીય (અપક્ષ) ધારાસભ્ય રણધીર સિંહ ભિંડર મુખ્યમંત્રી વસુંધરા રાજેના માનીતા છે. આ સભામાં ગુલાબચંદ કટારિયા શામેલ થયા ન હતા, પરંતુ સરકારમાં મંત્રી અને રાજેના નજીકના કિરણ મહેશ્વરી મંચ પર હાજર હતાં. કિરણ મહેશ્વરીને કટારિયાના વિરોધી ગણવામાં આવે છે.
મુખ્યમંત્રી વસુંધરા રાજેની રાજસ્થાન ગૌરવ યાત્રાનો અંતિમ તબક્કો અજમેર વિભાગમાં થવાનો છે. આ વિભાગમાં પણ પાર્ટીએ જૂથબંધીનો સામનો કરવો પડી શકે છે. અજમેર વિભાગમાં પાર્ટીના બે મોટા નેતા અને મંત્રી વાસુદેવ દેવનાની અને અનીતા ભદેલને એકબીજાના કટ્ટર વિરોધી માનવામાં આવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેવા ત્રણ રાજ્યોમાં રાજસ્થાન સૌથી નબળી કડી
આ દરમિયાનમાં ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપી માટે રાજસ્થાન સૌથી નબળી કડી સાબિત થઈ રહ્યું છે. આવામાં જો ચૂંટણી અગાઉ જૂથબંધી અને અંગત સ્વાર્થને બાજુ પર રાખીને સંપૂર્ણ નેતૃત્વ એકજૂથ નહિ થાય તો બીજેપીને સત્તા પર ફરી વખત આવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.