ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુકાબલામાં ટ્રોલર સક્રિય ન બને અને આ મુકાબલામાં બંને દેશના ક્રિકેટર કરતા સૌથી વધારે મોટો નિશાનો સાનિયા મિર્ઝા બને તેવું બની જ ન શકે.
ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે.
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પહેલા સાનિયા મિર્ઝાએ આ પ્રોબ્લમનું સમાધાન શોધી લીધું છે. મેચ શરુ થતા પહેલા તેમણે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઇ લીધો છે.
સોશિયલ મીડિયામાંથી પોતાનું એકાઉન્ટ લોગ આઉટ કરતા પહેલા તેણે અડધી રાત્રે ખાસ કરીને ટ્રોલર માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો.
આ મેસેજમાં સાનિયાએ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનની મેચ શરુ થવાને હવે માત્ર ૨૪ કલાકથી પણ ઓછો સમય વધ્યો છે એવામાં સોશિયલ મીડિયામાંથી સાઇન આઉટ કરવાનું જ યોગ્ય રહેશે. કેમ કે અહી બકવાસ કરનારા લોકોની સંખ્યા સારા એવા માણસને પણ બીમાર કરી દે તેમ છે. ચાલો એક ગર્ભવતી મહિલાને એકલા રહેવા દો અને યાદ રાખજો તે માત્ર ક્રિકેટ મેચ જ છે.
ઉલ્લેખનીય છે કે હાલ સાનિયાનો પતિ શોએબ મલિક એશિયા કપ માટે દુબઈમાં છે અને સાનિયા હાલ પ્રેગ્નન્ટ છે. આવતા મહીને આ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થઇ શકે છે. ટ્રોલર સૌથી વધારે આ કપલને નિશાનો બનાવતો હોય છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસ પર શુભેરછા આપવા બદલ પણ સાનિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.
એટલું જ નહી પણ પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબને પૂછ્યું હતું કે તમારા બાળકને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી ક્યાં દેશની નાગરિકતા મળશે ? શોએબ મલિકે તેનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે ખરેખર મારા બાળકના કાકા હોવ તો હવે પછી આવા પ્રશ્ન ન પૂછતા.
જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી સાનિયા મિર્ઝાની નાગરિકતાને લઈને લોકોએ ઘણીવાર સવાલ ઉઠાવ્યા છે અને જયારે ભારત અને પાકિસ્તાન દેશનો સ્વતંત્રતા દિવસ આવે છે ત્યારે આ સવાલ વધારે ઉઠાવવામાં આવે છે.
ગર્ભવતી હાલતમાં સાનિયાએ ટ્રોલરથી દૂર રહેવમાં પોતાનું હિત જોઇને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.