મુંબઈ
મુંબઈ શહેરમાં આવેલી નાયર હોસ્પિટલના એમઆરઆઈ રૂમે ૩૨ વર્ષીય નિર્દોષ યુવક રાજેશ મારૂનો ભોગ લીધો છે. રાજેશની માતા નાયર હોસ્પીટલમાં દાખલ કર્યા હતા જેમની ખબર કાઢવા માટે તે હોસ્પિટલ આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્પીટલના વોર્ડબોય વિઠ્ઠલે રાજેશને મેટાલિક ઓક્સીજન સીલીન્ડર એમઆરઆઈ રૂમમાં લઇ જવા કહ્યું હતું. એમ આરઆઈ રૂમનો દરવાજો ખુલતાની સાથે જ આ મશીને રાજેશને પોતાની તરફ ખેંચી લીધો અને તેનો એક હાથ મશીનમાં ફસાઈ ગયો. આ દરમ્યાન સીલીન્ડરનું ઢાકણું ખુલી ગયું અને ઓક્સીજન તેના મોઢામાં જવા લાગ્યો.મશીનમાં અંદર ફસાયેલા હાથ સાથે રાજેશ તરફડીયા મારવા લાગ્યો. પોતાના દીકરાનો અવાજ સાંભળી ઘરવાળા દોડી આવ્યા અને તત્કાલ તેને ટ્રોમાં સેન્ટરમાં લઇ જવાયો પણ ત્યાં સુધીમાં નિર્દોષ યુવકના પ્રાણરૂપી પંખીડા ઊડી ગયા હતા.
એમઆરઆઈ રૂમમાં મેગ્નેટિક વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ હોય છે તેમ છતાં વોર્ડબોયએ તે લઇ જઈ શકાય તેવું કીધું. સુત્રોના જણાવ્યા પ્રમાણે જેવું એમઆરઆઈ રૂમનો દરવાજો ખુલ્યો તેવું મશીને મેગ્નેટિક સીલીન્ડર સાથે રાજેશને પોતાની તરફ ખેંચી લીધો હતો.
રાજેશ મારૂના પરિવારજનોએ આ કેસ સાથે સંકળાયેલ ડૉ. સિદ્ધાર્થ શાહ, વોર્ડબોય વિઠ્ઠલ ચાવન અને મહિલા આસીસ્ટન્ટ સુનીતા સુર્વે પર આઈપીસી ૩૦૪એ કલમધારા હેઠળ એફઆઈઆર કરી છે.
તો બીજી તરફ નાયર હોસ્પીટલના ડીન ડૉ. ભારમાલએ હોસ્પિટલ પર લગાવેલા આરોપથી બચવા કહ્યું કે રાજેશ મારૂ કોઈના કહેવાથી નહિ પણ પોતાની જાતે જ એમઆરઆઈ રૂમ માં ગયો હતો.
શનિવાર સાંજે બનેલી આ ઘટના બાદ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડનવીસે મૃતકના પરિવારને ૫ લાખની સહાયની જાહેરાત કરી છે.
મુંબઈની નાયર હોસ્પીટલની આ ઘટનાને પગલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે. અને રાજેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલ્યો છે.