Gujarat election 2022/ તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની યોજાયેલી ચૂંટણીમાં મતદાન ઘટતા અનેક ઉમેદવારો અને રાજકીય પંડિતોની ઊંઘ ઉડી ગઈ છે. મતદાનની આ તરાહ ભાજપને ફાયદો કરાવશે કે નુકસાન, કોંગ્રેસની સીટો વધશે કે ઘટશે, આપ કોના મત કાપી કઈ બેઠકોમાં નુકસાન કરશે કે કેટલું ઘૂસી શકશે? વગેરે બાબતો કોયડો બની ગઈ છે. 8મી સુધી હવે રાહ જોવી રહી!

Mantavya Exclusive Mantavya Vishesh
Gujarat assembly તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

એસોસિયેટ એડિટર પ્રફુલ ત્રિવેદી

ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? કોંગ્રેસ તરફી હોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો તે ભાજપમાં જતો રહેવાનો છે. ભાજપના શાસનમાં વિકાસની ગુલબાંગો વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનો ભરડો તો છે જ ને? ગમે તેને ચૂંટો શું ફરક પડે છે?આવી દુર્ભાવનાએ કદાચ મતદારને સુસ્ત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હશે, તેમ લોકો સાથે વાતચીત કરતાં લાગી રહ્યું છે.

બીજી તરફ શહેરના ભણેલા ગણેલા નાગરિકા સામે ગામડા રહેતા અને ઓછું ભણેલા અને રાજકીય કોઠાસૂઝ ધરાવતા લોકો તેમના હક્ક માટે વધુ જાગૃત હોય છે. તેનાથી પણ વધુ જાગૃત વનવાસી-આદિવાસી હોય છે. ભણેલો નાગરિક વોટસએપ યુનિવર્સિટીમાં રોજ વધુ મતદાન કરવાના પાઠ ભણે છે અને તેવા મતલબની પોસ્ટ હોંશેહોંશે પોસ્ટ કરી પોતે જાગૃત હોવાનો ડોળ કરે છે અને મતદાનના સમયે નિરસ થઈ જાય છે !

જ્યારે 63 ટકા મતદાન થાય છે ત્યારે 37 ટકાએ તો પહેલાથી જ મતદાન નહીં કરીને શાસનપ્રથા સામે તેમનો વિરોધ નોંધાવી દીધો હોય છે. ત્રણથી ચાર ટકા ‘નોટા’નો ઉપયોગ કરે છે. આમ 60 ટકા મતમાં 25 ટકા મત મેળવનારો ઉમેદવાર જીતી જાય છે. બાકીના 35 ટકા બે પક્ષો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે કે 75 ટકાએ તો જે કે તે પક્ષને કે ઉમેદવારને મતો નથી આપ્યા તે 100 ટકા પર શાસન કરશે!
આ પ્રકારની પરિસ્થિતિ નીવારવાનો એક જ ઉપાય છે કે 100 ટકા મતદાન થવું જ જોઈએ. લોકશાહીની આ ગંભીર ત્રુટિ તો જ દૂર થઈ શકે. રાજકીય પક્ષોની તેમજ ચૂંટણીપંચ અને મીડિયાની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છતાં મતદાન ઘટતું જ જાય છે.
કયા વર્ષે

કેટલું મતદાન (ટકાવારીમાં)
2002 61.54%
2007 59.77%
2012 71.30%
2017 68.39%
2022 62.89%

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.

રાજકીય પક્ષો ગુના નોંધાયેલા હોય તેવા બાહુબલીઓને આડેધડ ટિકિટો આપે છે. ભાજપે 23, કોંગ્રેસે 22, આમ આદમી પાર્ટીએ 18 ઉમેદવારને ટિકિટ આપી છે. આ આરોપીઓ સામે એક કરતાં વધુ ગુના નોંધાયેલા છે. સરકારી તંત્રમાં વધતો જતો બેફામ ભ્રષ્ટાચાર, બેરોજગારી ઉપરાંત શોષણ કરતી કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કંપનીમાંથી કર્મચારીઓ લેવાની પદ્ધતિ, મોંઘવારી વગેરે બાબતોથી નાગરિકો ગળે આવી ગયેલા છે જેના લીધે મતદાનથી અળગા રહીને રોષ વ્યક્ત કર્યો હોવાની છાપ પણ ઊભી થઈ છે. રાજકીય પક્ષો તેમના નેતાઓ, કાર્યકરોની રીતિનીતિ, અહંકાર, ભ્રષ્ટ ચાલચલગત વગેરે બાબતોથી પણ નાગરિકો અકળાઈ ગયા છે, જેનું પ્રતિબિંબ ઓછા મતદાનમાં જોવા મળી રહ્યું છે.

મતદાન ઘટવાના કારણો
(1) બધા જ રાજકારણીઓ સરખા છે ને, કોઈ ભલુ નથી કરી દેવાના જેવી પેદા થયેલી નિરાશા
(2) રાજકારણીઓની સામાન્ય જનમાં બગડેલી છાપ. રાજકારણ એટલે ગંદી રમત તેવી ઊભી થયેલી ઇમેજ
(3) રાજકીય કાર્યકરો-નેતાઓની ચાલચલગતમાં છલકાતો અહંકાર, ભ્રષ્ટ રીતિનીતિ
(4) સામાન્ય લોકોના કામો સરકારી તંત્રમાં લાંચ આપ્યા વગર થતાં જ નથી અને તેવા સમયે ચૂંટાયેલા લોકો કોઈ મદદ કરતા નથી.
(5) પગાર એનો એ જ રહે છે અને મોંઘવારી વધતી જાય છે
(6) નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સ્પષ્ટ રીતે સરકાર દ્વારા થતું શોષણ છે