ઘઉંનો ફુગાવો/ ઓગસ્ટમાં રાજ્યો પાસે ઘઉંનો જથ્થો 14 વર્ષમાં સૌથી નીચો, જાણો સંક્ષિપ્ત રિપોર્ટ

દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ, હીટવેવ કે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે આ સ્થિતિ સર્જાઈ છે જેથી ઘઉં બાદ હવે  મેંદો અને સોજીની નિકાસ પર કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો?

Mantavya Exclusive
Wheat Quantity India

Written by: Parth Amin

Wheat Quantity India: ભારત ‘આખી દુનિયાનું પેટ’ ભરાય તેટલું ઘઉં પૂરા પાડવા માટે સજ્જ છે. પરંતુ આ વા ભારતે જ ઘઉંની આયાત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ, હીટવેવ કે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે આ સ્થિતિ સર્જાઈ છે જેથી ઘઉં બાદ હવે  મેંદો અને સોજીની નિકાસ પર કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો?

15 એપ્રિલ 2022ના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક ટ્વિટ દ્વારા આ વાત કહી હતી. ત્યારે ભારત વિદેશમાં રેકોર્ડ સ્તરે ઘઉંનું વેચાણ કરી રહ્યું હતું, પરંતુ માત્ર 4 મહિના પછી જ પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ કે શનિવારે ભારત સરકારે ઘઉં, લોટ, મેંદા અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાંથી ઘઉંની જંગી નિકાસ પછી ઘરઆંગણે જ અછત સર્જાવાની ભીતિને પગલે નિકાસ પ્રતિબંધ મુકાયા બાદ હવે તેની બનાવટો એવા લોટ, મેંદા અને સોજીની નિકાસ પર પણ નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી વ્યાપાર મંત્રાલય દ્વારા એમ કહેવાયું છે કે ભાવોને કાબૂમાં રાખવા માટે આ પગલુ લેવામાં આવ્યુ છે તેમ છતા ચોક્કસ કિસ્સાઓમાં નિકાસને પરવાનગી આપવામાં આવશે.

જો ઘઉં મોંઘા થશે તો ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે. પેક્ડ લોટ, રોટલી, નાન, પરાઠા, બ્રેડ અને બિસ્કિટ વગેરે પણ મોંઘા થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડશે. સરકારે આયાતના અહેવાલોને ફગાવી દીધા છે, પરંતુ ઘઉંના ભાવમાં થયેલા વધારા અંગેના સરકારી આંકડા અલગ કહાની કહે છે. 2022 ની શરૂઆતમાં, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે સપ્લાય ચેઇન તોડી નાખી. તેથી, આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. ઘણા પડોશી દેશો આ માટે ભારત તરફ જોવા લાગ્યા. વિશ્વના વધતા ભાવનો લાભ લેવા માટે ભારતે આ વર્ષે માર્ચ સુધીમાં લગભગ 7 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. જે ગત વર્ષ કરતા 215% વધુ છે. એપ્રિલમાં ભારતે રેકોર્ડ 1.4 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી, પરંતુ મે મહિનામાં દેશમાં ઘઉંના સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં ઘઉંની અછત અને વિશ્વભરમાં વધતી કિંમતો વચ્ચે અધિકારીઓ હવે વિદેશથી ઘઉં લાવવાનું વિચારી રહ્યા છે. જો કે આ રિપોર્ટ સામે આવતાની સાથે જ ભારત સરકાર દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું કે વિદેશથી ઘઉં ખરીદવાની કોઈ યોજના નથી અને દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે.

આ 4 કારણો દેશમાં ઘઉંની અછત તરફ નિર્દેશ કરે છે

1: ભારત સરકાર ભલે ઘઉંની અછતને નકારી રહી હોય, પરંતુ 4 કારણોને લીધે દેશમાં ઘઉંની અછત સર્જાઈ રહી હોવાનું જાણવા મળે છે.

2: મે 2022માં કેન્દ્ર સરકારે ઘઉંની પ્રતિબંધિત શ્રેણીમાં નિકાસ કરવા માટે નિકાસ નીતિમાં સુધારો કર્યો હતો.

3: ખાનગી વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારી અધિકારીઓ ઘઉંની અછત અને વધતા ભાવ વચ્ચે વિદેશથી ઘઉં ખરીદવાનું વિચારી રહ્યા છે.

4: અહેવાલમાં જણાવાયું છે કે અધિકારીઓ ઘઉંની આયાતને પ્રોત્સાહન આપવા માટે આયાત ડ્યૂટીમાં 40% ઘટાડો કરવાની પણ ચર્ચા કરી રહ્યા છે.

27 ઓગસ્ટે સરકારે માત્ર ઘઉં જ નહીં, પણ લોટ, મેંદા અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. આ વખતે ઘઉંની ઉપજમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ હવામાન છે. માર્ચથી હીટવેવની શરૂઆત થઈ હતી, જ્યારે માર્ચમાં ઘઉં માટે તાપમાન 30 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ, કારણ કે આ સમયે ઘઉંના દાણામાં સ્ટાર્ચ, પ્રોટીન અને અન્ય સૂકા પદાર્થ એકઠા થાય છે. ઓછું તાપમાન ઘઉંના દાણાનું વજન વધારવામાં મદદ કરે છે. આ વખતે માર્ચમાં અનેક વખત તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. જેના કારણે ઘઉં સમય પહેલા પાકી ગયા અને દાણા હલકા રહ્યા. પરિણામે, ઘઉંની ઉપજમાં 25% ઘટાડો થયો. આના કારણે ભારતમાં ઘઉંની કિંમત અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં લોટના ભાવમાં વધારો થવાનો છે.

નિષ્ણાતો કહે છે કે આ વખતે કેન્દ્રને ઘઉંનું ઉત્પાદન 111.3 મિલિયન ટન થવાની અપેક્ષા હતી. આ અત્યાર સુધીનો સૌથી વધુ છે, પરંતુ હવામાનની સ્થિતિને કારણે ઉત્પાદન ઘટીને 100 મિલિયન ટનથી ઓછું થઈ ગયું છે. આ વર્ષે સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ઘટીને 18 મિલિયન ટન થઈ ગઈ છે. જે છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચો છે. 2021-22માં સરકાર દ્વારા કુલ 43.33 મિલિયન ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.

22 ઓગસ્ટ 2022ના રોજ જ્યાં ઘઉંની કિંમત 31.04 રૂપિયા પ્રતિ કિલો હતી, તો ગયા વર્ષે 22 ઓગસ્ટે ઘઉંની કિંમત 25.41 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં ઘઉંના ભાવમાં 22%નો વધારો થયો છે. તેની અસર લોટના ભાવમાં પણ જોવા મળી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં લોટની કિંમત 17% વધીને 35.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષે તે રૂ. 30.04 પ્રતિ કિલો હતો. આ જ કારણ છે કે, મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકારે લોટ, સોજી અને મેદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારની કવાયત વધતા જતા ભાવને રોકવાની છે.

નવો પાક આવતા 7 મહિના લાગશે કારણ કે ભાવ પણ વધશે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, નવા ઘઉં હવે એપ્રિલ 2023માં જ દેશમાં આવશે. એટલે કે આમાં હજુ 7 મહિનાનો સમય છે. જેથી ભાવમાં વધારો થવાનો છે. સાથે જ કેન્દ્ર સરકારની મફત ઘઉંની યોજના પણ તેના ભાવ નક્કી કરશે. જો આ સ્કીમમાં કોઈ ફેરફાર થાય તો ઘઉંના ભાવ ઝડપથી વધી શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન, છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર દેશના લગભગ 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત અનાજનું વિતરણ કરી રહી છે. જેના કારણે સરકાર પાસે અનાજનો બફર સ્ટોક ઓછો થયો છે.

વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરવામાં ચીન પ્રથમ અને ભારત બીજા ક્રમે છે. જો કે ઘઉંની નિકાસમાં ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ નથી. માત્ર 5 દેશો રશિયા, USA, કેનેડા, ફ્રાન્સ અને યુક્રેન 65% ઘઉંની નિકાસ કરે છે. તેમાંથી 30% નિકાસ એકલા રશિયા અને યુક્રેનમાંથી થાય છે. ઇજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ રશિયાના અડધા ઘઉંની ખરીદી કરે છે. જ્યારે ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, તુર્કી અને ટ્યુનિશિયા યુક્રેન પાસેથી ઘઉં ખરીદે છે. આવી સ્થિતિમાં, જ્યારે ઘઉંના બે મોટા નિકાસકારો વચ્ચે યુદ્ધ છે, ત્યારે વિશ્વમાં ઘઉંની અછત નિશ્ચિત છે. આ જ કારણ છે કે વિશ્વમાં ઘઉંની કિંમતો ઝડપથી વધી રહી છે.

યુક્રેન અને રશિયા એ ઘઉંના મોટા નિકાસકારોમાં ગણાય છે. તેમની વચ્ચે યુદ્ધ થવાના કારણે શિકાગોમાં ઘઉંનો ભાવ 14 ડોલર થયો હતો. જોકે, સપ્લાયની ચિંતા દૂર થવાના કારણે ઘઉંના ભાવ હવે ઘટીને 8 ડોલર થયો છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે હોવા છતાં તે ક્યારેય મોટું નિકાસકાર રહ્યું નથી. તેની સામે ભારતે ખાસ આયાત પણ નથી કરી. છેક એપ્રિલ મહિનાથી ભારતમાં ફુગાવાનો દર ઉંચો રહ્યો છે. એપ્રિલ પછી ઘઉંના ભાવનો ફુગાવો 9 ટકા હતો જે જુલાઈમાં વધીને 11.7 ટકા થયો હતો. તેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ચિંતામાં વધારો થયો છે. RBI ફુગાવાનો દર 6 ટકા સુધી લાવવા માંગે છે. ઘઉં એ ભારતમાં સૌથી મોટો શિયાળુ પાક છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે અને માર્ચ-એપ્રિલમાં પાક ઉતરે છે. આ ઉપરાંત ચોખાના ઉત્પાદનની પણ ચિંતા છે.

આ પણ વાંચો: rainfall/ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી, એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો