World News/ દિલ્હીમાં ઈરાની પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાના આક્રમક તેવર; અમેરિકા-ઈઝરાયલને ચેતવણી

દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપવા આવેલા Iranના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાએ અમેરિકા-ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે પીએમ મોદી સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી છે.

Top Stories international India
Iran

Masoud Pezeshkian New Delhi: ઈરાનના(Iran) રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને નવી દિલ્હીમાં અમેરિકા અને ઈઝરાયલ સામે કડક વલણ વ્યક્ત કર્યું છે. દિલ્હીમાં ધાર્મિક આગેવાનો, બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઈરાન કોઈપણ પ્રકારના દબાણ કે દાદાગીરી સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતો અને સાર્વભૌમત્વની રક્ષા માટે મક્કમતાથી ઊભું રહેશે.

ગલ્ફમાં શાંતિ, પરંતુ વિદેશી દખલગીરીનો વિરોધ

પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન(Iran) ગલ્ફ વિસ્તારમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સ્થિરતા ઈચ્છે છે. જોકે, તેમના જણાવ્યા અનુસાર જો કોઈ વિદેશી શક્તિ ઈરાનમાં અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કરશે તો તેનો મજબૂત વિરોધ કરવામાં આવશે. તેમણે દેશની આંતરિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઈરાનના વલણને પણ સ્પષ્ટ કર્યું હતું.

નાગરિકો અને સુવિધાઓ પર હુમલાનો આરોપ

ઈરાનના(Iran) રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયલ પર નાગરિકો તથા મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. દક્ષિણ ઈરાનમાં એક શાળાની નજીક થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સૈન્ય કાર્યવાહીનો હેતુ સૈનિક ઠેકાણાં સુધી મર્યાદિત હોવો જોઈએ અને હોસ્પિટલો, જાહેર સુવિધાઓ તથા સામાન્ય લોકોની આજીવિકાને નુકસાન ન પહોંચવું જોઈએ. પેઝેશ્કિયાને એવો પણ દાવો કર્યો કે ઈરાન પર દબાણ વધારીને અને પુરવઠાની અછત ઊભી કરીને ત્યાંની જનતાને શરણાગતિ માટે મજબૂર કરી શકાય તેવી માન્યતા ખોટી છે. તેમના અનુસાર ઈરાનની જનતા મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દેશના હિતો માટે ઊભી રહેશે.

Iran

PM મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત

BRICS Summitમાં ભાગ લેવા ત્રણ દિવસની મુલાકાતે ભારત આવેલા પેઝેશ્કિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપરાંત ભારત-ઈરાન સંબંધો અંગે ચર્ચા થઈ હતી. પેઝેશ્કિયાને વેપાર, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

સ્થાનિક ચલણમાં વેપાર પર ભાર

BRICS Business Forum દરમિયાન ઈરાનના (Iran)રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરી. તેમણે ઈરાનને પ્રાદેશિક ઊર્જા અને ખાદ્ય પુરવઠાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. આ રીતે ભારતની મુલાકાત દરમિયાન પેઝેશ્કિયાનના નિવેદનોમાં એક તરફ અમેરિકા-ઈઝરાયલ સામે કડક સંદેશ જોવા મળ્યો, તો બીજી તરફ ભારત અને BRICS દેશો સાથે આર્થિક તથા વ્યૂહાત્મક સહયોગ વધારવા પર પણ ભાર રહ્યો.


આ પણ વાંચો: કોંગોમાં શાળામાં વિકરાળ આગ ફાટી નીકળતા ભયાનક દુર્ઘટના; 26 વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો: LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત

આ પણ વાંચો:ટ્રમ્પ સરકારના નિર્ણય ચર્ચામાં, ભારતીયો પર નિશાનનો આરોપ અને $5,000 ડિવિડન્ડનું એલાન