US Immigration AI Ad and Donald Trump Policy: ભારતમાં BRICS Summit યોજાઈ રહી છે ત્યારે અમેરિકાની ટ્રમ્પ સરકારની એક ડિજિટલ જાહેરાતને લઈને વિવાદ ઊભો થયો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા ઈમિગ્રેશન નીતિના પ્રચાર માટે તૈયાર કરાયેલી આ જાહેરાતમાં ‘મિસ્ટર સિંહ’ નામના પાત્રને નિશાન બનાવવામાં આવ્યું છે. જાહેરાત સામે ભારતીય મૂળના લોકો સહિત કેટલાક અમેરિકન સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે અને તેને વંશીય પ્રોફાઇલિંગ સાથે જોડીને ટીકા કરવામાં આવી રહી છે.
‘ટ્રાન્સફોર્મર્સ’ની થીમનો જાહેરાતમાં ઉપયોગ
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તૈયાર કરેલી ડિજિટલ ક્લિપમાં હોલિવૂડની ‘ટ્રાન્સફોર્મર્સ’ ફ્રેન્ચાઈઝીની થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાહેરાતમાં ‘ઓપ્ટિમસ પ્રાઈમ’ જેવા પાત્રને DHS સાથે જોડાયેલા આર્મ પેચ સાથે દર્શાવવામાં આવ્યું છે. સામે ભારતીય મૂળના એક વ્યક્તિને ‘મિસ્ટર સિંહ’ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. જાહેરાતનો સંદેશ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને સ્વેચ્છાએ દેશ છોડવા માટે પ્રોત્સાહિત કરતી સરકારની ‘Self Deport or Find Out’ ઝુંબેશ સાથે જોડાયેલો છે. આ વીડિયો અભિયાનમાં ‘સિંહ’ અટક ધરાવતા કેટલાક ટ્રક ડ્રાઈવરોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન સરકાર(Donald Trump) દ્વારા આ અભિયાનને ટ્રાફિક અકસ્માતો અને અન્ય ગુનાઓ સાથે જોડાયેલી ઈમિગ્રેશન કાર્યવાહી તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જોકે, જાહેરાતમાં ભારતીય મૂળના લોકોને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને અમેરિકામાં વિરોધના સૂર ઊઠ્યા છે.
હિન્દુ અને શીખ સંગઠનોની આકરી પ્રતિક્રિયા
હિન્દુ અમેરિકન(Donald Trump) ફાઉન્ડેશન અને શીખ કોઅલિશન સહિતના સંગઠનોએ આ જાહેરાત સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમની દલીલ છે કે ‘સિંહ’ માત્ર એક સમુદાય સાથે જોડાયેલું નામ નથી અને તેને કોઈ ચોક્કસ જાતિ અથવા સમુદાયના લોકોનું નિશાન બનાવવાના સંદર્ભમાં ઉપયોગ કરવો યોગ્ય નથી. સંગઠનોએ આ પ્રકારની રજૂઆતને અમેરિકામાં ભારતીય મૂળના લોકો પ્રત્યેના પ્રોફાઇલિંગ સાથે જોડીને સવાલ ઉઠાવ્યા છે.
હવે ટ્રમ્પનું $5,000 ડિવિડન્ડનું મોટું એલાન
આ વિવાદ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) મિડટર્મ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસના બંને ગૃહો એટલે કે હાઉસ અને સેનેટ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે, તો અમેરિકન નાગરિકોને $5,000નું ડિવિડન્ડ આપવામાં આવી શકે છે. ટ્રમ્પે આ સંભવિત ચુકવણીને ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ નામ આપ્યું છે. ટ્રમ્પે જાહેરાત દરમિયાન આ રકમ કઈ રીતે ચૂકવવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો આપી નથી. ખાસ કરીને આ યોજના માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી બનશે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ રકમનો સ્ત્રોત વિદેશી વસ્તુઓ પર લાદવામાં આવેલા ટેરિફથી થતી સરકારી આવક સાથે જોડાયેલો હોઈ શકે છે.
યોજનાનો ખર્ચ કેટલો થઈ શકે?
અમેરિકામાં આશરે 25 કરોડ પુખ્ત નાગરિકોને જો $5,000ની રકમ આપવામાં આવે તો સરકાર પર એક લાખ કરોડ ડોલરથી વધુનો મોટો નાણાકીય બોજ પડી શકે છે. જોકે, હાલ સુધી ટ્રમ્પ(Donald Trump) વહીવટીતંત્રે આ યોજના માટે પાત્રતા, કુલ બજેટ અને ચુકવણીની પ્રક્રિયા અંગે સ્પષ્ટ માળખું જાહેર કર્યું નથી. તેથી આ જાહેરાતનો વાસ્તવિક અમલ કેવી રીતે થશે તે હજુ સ્પષ્ટ નથી. ટ્રમ્પનું આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી માટે તૈયારી કરી રહી છે. ટ્રમ્પે પોતાના સમર્થકોને રિપબ્લિકન ઉમેદવારોને જીતાડવા માટે એકજૂથ થવાની અપીલ કરી છે. સાથે જ તેમણે નવેમ્બરની ચૂંટણીને પોતાના પ્રમુખપદના કાર્યકાળ અંગે જનમત સમાન ગણાવીને મતદારોને પાર્ટીના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી છે.
ઈમિગ્રેશનથી લઈને ચૂંટણી સુધી ટ્રમ્પ સરકાર ચર્ચામાં
એક તરફ ટ્રમ્પ(Donald Trump) વહીવટીતંત્રની ઈમિગ્રેશન નીતિ અને ‘મિસ્ટર સિંહ’વાળી જાહેરાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકન નાગરિકોને $5,000 ડિવિડન્ડ આપવાના સંકેતે રાજકીય અને આર્થિક ચર્ચાને વેગ આપ્યો છે. હવે આ જાહેરાત માત્ર ચૂંટણીના વચન સુધી મર્યાદિત રહે છે કે તેને વાસ્તવિક નીતિનું સ્વરૂપ મળે છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાવાની ખતરનાક ઘટના, નોર્વેના PMએ કરી પુષ્ટિ
આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો
આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી
