Bharuch News : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ (Jama Masjid)ને લઈને વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. એક તરફ સંત સમાજ અને જૈન સંતો દ્વારા આ સ્થળ પ્રાચીન જૈન તીર્થ ‘સમડી વિહાર’ અથવા ‘શકુનિકા વિહાર’ હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જામા મસ્જિદ (Jama Masjid) ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજ આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી રહ્યા છે.
તાજેતરમાં પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા મસ્જિદ પરિસરમાં આવેલા કથિત ગેરકાયદેસર વજુખાનાને દૂર કરવાની કાર્યવાહી બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન એક પ્રવેશદ્વારને તાળું મારવામાં આવતા વિવાદે નવો વળાંક લીધો છે.
સંત સમાજના પ્રતિનિધિ મુક્તાનંદ સ્વામીએ દાવો કર્યો છે કે મસ્જિદના ભોંયરામાં અને પાયાના ભાગોમાં પ્રાચીન મૂર્તિઓ તેમજ નક્શીદાર શિલ્પો જોવા મળ્યા છે. તેમણે માર્ચ મહિનામાં બનાવાયેલા એક વીડિયોને જાહેર કરીને કહ્યું કે સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં આવે તો વધુ મહત્વપૂર્ણ પુરાતત્વીય અવશેષો મળી શકે છે.

આ દરમિયાન સંત સમાજે 15 જૂનના રોજ હજારો લોકો સાથે આવેદન કાર્યક્રમ યોજવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ જામા મસ્જિદ ટ્રસ્ટના અધ્યક્ષ મૌલાના મુસ્તફા કુરૈશીએ આ તમામ દાવાઓને આધારવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે વાયરલ થયેલો વીડિયો પ્રતિબંધિત વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રવેશ અને વીડિયો બનાવવાની મંજૂરી નથી.
મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને મળીને જામા મસ્જિદ (Jama Masjid)ના ઐતિહાસિક અને ધાર્મિક પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે મસ્જિદનો ઈતિહાસ સ્પષ્ટ છે અને અફવાઓ ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
આ વચ્ચે જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે પણ સ્થળને પ્રાચીન જૈન તીર્થ ‘સમડી વિહાર’ અથવા ‘શકુનિકા વિહાર’ હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આ સ્થળ જૈન ઈતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે અને અહીં વૈજ્ઞાનિક સર્વેક્ષણ થવું જોઈએ.
જામા મસ્જિદ (Jama Masjid)ને લઈને દાવા અને પ્રતિદાવાનો સિલસિલો યથાવત
હાલમાં ભરૂચની જામા મસ્જિદ (Jama Masjid)ને લઈને દાવા અને પ્રતિદાવાનો સિલસિલો યથાવત છે. એક તરફ જૈન અને સંત સમાજ તેને પ્રાચીન જૈન વિરાસત ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ મુસ્લિમ સમાજ તેને ઐતિહાસિક મસ્જિદ તરીકે જાળવી રાખવાના પક્ષમાં છે. હવે સૌની નજર પુરાતત્વ વિભાગ, સ્થાનિક તંત્ર અને આગામી દિવસોમાં થનારા વિકાસક્રમ પર ટકેલી છે.
