Today Special: વર્ષ 1919ની 13 એપ્રિલના રોજ પંજાબના અમૃતસરમાં થયેલા ભીષણ નરસંહારમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘જલિયાંવાલા બાગ સ્મૃતિ દિવસ’ (Jallianwala Bagh Memorial Day, 13 April) મનાવવામાં આવે છે. આ દિવસે, બ્રિટિશ જનરલ ડાયરના આદેશ અનુસાર, નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવવામાં આવી હતી જેમાં અનેક માસૂમ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા!
આ દિવસ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ (Indian Freedom Struggle)નું સૌથી કાળા પૃષ્ઠ પૈકીનું એક ગણાય છે. પ્રતિ વર્ષ 13 એપ્રિલે ‘જલિયાંવાલા બાગ સ્મૃતિ દિવસ’ના રુપમાં આ ગોઝારા દિવસને યાદ કરવામાં આવે છે.

બૈસાખીનું પાવન પર્વ બન્યું લોહિયાળ: ગોઝારો ઇતિહાસ ( Jallianwala Bagh Memorial Day History)
આ દિવસે બૈસાખીનું પાવન પર્વ (Baisakhi Festival) હતુ અને ડૉ. સૈફુદ્દીન કિચલૂ અને ડૉ. સત્યપાલની ધરપકડના વિરોધમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન સભા જલિયાંવાલા બાગમાં યોજાઇ હતી. ત્યાં બ્રિટિશ સૈન્ય અધિકારી રેજીનાલ્ડ ડાયર (General Reginald Dyer)દ્વારા ઓર્ડર મળ્યા બાદ, એમની ટુકડીએ ચેતવણી સુદ્ધાં આપ્યા વિના આ નિર્દોષ લોકો પર 10 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો!
આમ તો બ્રિટિશ રેકોર્ડમાં આ ગોળીબારમાં મૃતકોનો આંક 379 દર્શાવાયો છે પણ અનૌપચારિક આંકડા અને અમુક ભારતીય ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, આ ગોળીબારમાં 1,000 જેટલા લોકો શહીદ (Martyr) થયા હતા!
આ કરુણ ઘટનાએ આખા ભારત દેશને ઝંઝોડી મૂક્યો હતો અને આઝાદીના આંદોલને ઓર વેગ પકડ્યો હતો!
પ્રતિ વર્ષ આ દુખદ ઘટનાની યાદમાં ભારતમાં ‘જલિયાંવાલા બાગ મેમોરિયલ ડે’ મનાવવામાં આવે છે અને આ દિવસે પ્રધાનમંત્રી સહિત દેશના અનેક નેતાઓ આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

કેસ કર્યા વિના કેદ કરવાનો કાળો કાયદો-રૉલેટ એક્ટ
ભારતમાં તત્કાલીન બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી હલચલને રોકવા માટે એક કઠોર કાનૂનની ઘોષણા કરી હતી. અંગ્રેજો દ્વારા અરાજકતા તથા ક્રાંતિકારી અપરાધ અધિનિયમ 1919, ઇતિહાસમાં રૉલેટ એક્ટના નામે પ્રસિદ્ધ છે એને 10 માર્ચ,1919ના રોજ અમલી બનાવાયો હતો. આ એક્ટને કાળો કાયદો (Rowlatt Act, Black Act) પણ કહેવાય છે. આ કાનૂન અંતર્ગત, કોઇ પણ કેસ કર્યા કે ચલાવ્યા વિના કોઇ પણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર અંગ્રેજી સરકારને પ્રાપ્ત થઇ ચૂક્યો હતો!
રૉલેટ એક્ટનો દેશભરમાં વિરોધ
આ કાયદા અનુસાર, અપરાધીને એની વિરુદ્ધ કેસ દાખલ કરનારનું નામ સુદ્ધાં જાણવાનો અધિકાર નહતો! આના જ કારણે રૉલેટ એક્ટનો દેશભરમાં વિરોધ થયો. સમગ્ર દેશમાં હડતાળ, સરઘસ અને પ્રદર્શનો થવા લાગ્યા હતા. મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ મોટા પાયે હડતાળનું આહ્વાન કર્યુ હતુ. આ કાયદા અંતર્ગત, ડૉ. સૈફુદ્દીન કિચલૂ અને ડૉ. સત્યપાલની ધરપકડના વિરોધમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન સભા જલિયાંવાલા બાગમાં યોજાઇ હતી. ત્યાં બ્રિટિશ સૈન્ય અધિકારી રેજીનાલ્ડ ડાયર દ્વારા ઓર્ડર મળ્યા બાદ, એમની ટુકડીએ ચેતવણી સુદ્ધાં આપ્યા વિના આ નિર્દોષ લોકો પર 10 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો! કરુણતા તો એ હતી કે સિપાહીઓએ બહાર જવાનો એક માત્ર માર્ગ પણ બંધ કરી દીધો હતો.

દિવાલો પર આજે પણ ગોળીઓના નિશાન
જનરલ ડાયરની આ ક્રૂરતાને યાદ અપાવતી ગોળીઓના નિશાન (Bullet Marks) આજે પણ બાગની દિવાલો પર દેખાય છે. કહેવાય છે કે, લગભગ 1650 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા…આમ તો બ્રિટિશ રેકોર્ડમાં આ ગોળીબારમાં મૃતકોનો આંક 379 દર્શાવાયો છે પણ અનૌપચારિક આંકડા અને અમુક ભારતીય ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, આ ગોળીબારમાં 1,000 જેટલા લોકો શહીદ થયા હતા! આ હત્યાકાંડમાં કેટલાય નિશસ્ત્ર પુરુષો, મહિલાઓ અને બાળકો મૃત્યુ પામ્યા હતા.
આ બાગમાં એક કૂવો છે જેમાં જીવ બચાવવા માટે અનેક લોકો કૂદી ગયા હતા અને એમાં પણ અનેક ઇજાગ્રસ્ત થયા હતા અથવા મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. આ કરુણ ઘટનાએ આખા ભારત દેશને ઝંઝોડી મૂક્યો હતો અને આઝાદીના આંદોલને ઓર વેગ પકડ્યો હતો!

દેશભરમાં આના પડઘા પડ્યાં
બ્રિટીશ સરકારની આ નાપાક હરકતથી સમગ્ર દેશમાં ભારતીય સમુદાયમાં આક્રોશ વ્યાપી ગયો હતો. શહીદ ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ (Shaheed Bhagat Singh and Chandrashekhar Azad) એ સમયે બાળક હતા પરંતુ, આ ઘટનાની એમના કુમળા માનસ પર ઘેરી અસર પડી હતી.

આ ઘટનાના વિરોધમાં નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટેગોરે (Rabindranath Tagore) અંગ્રેજો દ્વારા પ્રદાન કરાયેલી નાઇટહુડની પદવી પણ પરત કરી હતી.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં એંગ્લો-બોઅર યુદ્ધમાં અંગ્રેજોના સમર્થનમાં 1100 સ્વયંસેવકોની એક એમ્બ્યુલન્સ કોરની સ્થાપના કરી હતી અને એ સમયે એમનું મંતવ્ય હતુ કે, અંગ્રેજોનું સમર્થન કરવાથી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં સુધારો આવશે. અંગ્રેજોએ એમને ‘કેસર-એ-હિંદ’ની ઉપાધિ પણ પ્રદાન કરી હતી, પરંતુ આ હત્યાકાંડ બાદ વ્યથિત થઇને એમણે આ પદવીનો ત્યાગ કરી દીધો હતો!

ભારતમાંથી બ્રિટીશ રુલની સમાપ્તિને વેગ મળ્યો
આ નરસંહારની તપાસ માટે 14 ઓક્ટોબર, 1919ના રોજ ભારત સરકારે ડિસઓર્ડર ઇન્ક્વાયરી કમિટીના ગઠનની જાહેરાત કરી હતી, પાછળથી એને અધ્યક્ષ લૉર્ડ વિલિયમ હન્ટરના નામ પરથી હન્ટર આયોગ તરીકે ઓળખ પ્રાપ્ત થઇ હતી. આ કમિટીમાં ભારતીય સભ્યો પણ સામેલ હતા.
મહાત્મા ગાંધીએ આ દુ:ખદ ઘટના બાદ મોટા સ્તરે અને સાતત્યપૂર્ણ રીતે, અહિંસક અભિયાન અર્થાત્ સત્યાગ્રહ, અસહયોગ આંદોલન (Satyagraha, Non-cooperation Movement) વગેરેની ઘોષણા કરી હતી, જેના 25 વર્ષો બાદ અંગ્રેજોએ ભારતમાંથી બ્રિટીશ રુલ (British Rule)ની સમાપ્તિ કરવાની ઘોષણા કરી હતી.
અંતે નિષ્કર્ષ એ છે કે, ‘જલિયાંવાલા બાગ સ્મૃતિ દિવસ’ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું સૌથી કાળા પૃષ્ઠો પૈકીનું એક ગણાય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણી મહામૂલી આઝાદીના પાયામાં કેટલા બધા શહીદોનું બલિદાન રહેલું છે!
આ પણ વાંચો: આ ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની ચિનગારી બની…આજે 23 માર્ચ…’શહીદ દિવસ’…
આ પણ વાંચો: ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ (WHO)નો સ્થાપનાદિન 7 એપ્રિલના રોજ…આજે છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’…
