જામનગર/ આ ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો જાણે છે ગ્રામજનો

જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે.

Gujarat Others Trending
રોટલો

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો આપવામાં આવે છે. ચોમાસા દરમિયાન હવામાન વિભાગ ભલે વરસાદની આગાહી કરતો હોય, પણ આજેય એવાં ગામો છે, જ્યાં પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં આવેલું આમરા ગામ એમાંનું એક છે. અહીં ગામના કૂવામાં રોટલો પધરાવી વર્ષ કેવું રહેશે એની આગાહી કરવામાં આવે છે. આ વર્ષે રોટલો ઈશાન દિશા તરફ જતાં વર્ષ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે.

રોટલો

રોટલાના આધારે વરસાદના વરતારાની 150 વર્ષ જૂની પરંપરા

જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા 150 વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામાં આવે છે ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ – નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજની વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે. દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી જે – તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે. જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે.

રોટલો

આ વર્ષ કેવું રહેશે ?

આ વરસે રોટલાની દિશા અતરાદી(બે અલગ કે વિરુદ્ધ દિશા) હોવાથી સારા વરસાદનું સૂચન કરતી હોવાથી વર્ષ સારું રહેશે અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરાનાં ગ્રામજનોએ જણાવ્યું હતું. આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરંપરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, આવી જ એક પરંપરા આજથી નહીં પણ દાયકાઓથી જામનગર નજીક આમરા ગામે શરુ થયેલ જે આજ દિવસ સુધી ચાલતી આવે છે.

રોટલો

આ પણ વાંચો : હારીજમાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની વિજય સંકલ્પ યાત્રા