Japan News/ જાપાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપથી બુલેટ ટ્રેનો થંભી, હજારો લોકોને દરિયાકાંઠો છોડવા આદેશ

Japanના ઉત્તર-પૂર્વ તટ પર 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી બાદ ભારે અફરાતફરી. બુલેટ ટ્રેન સેવાઓ ઠપ્પ.

Top Stories World
Japan Earthquake Tsunami Alert

Japan Earthquake Tsunami Alert: જાપાનમાં સોમવારે કુદરતનો કહેર જોવા મળ્યો છે. દેશના ઉત્તર-પૂર્વ તટ પર 7.5ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે જાપાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ઘર છોડીને સુરક્ષિત અને ઊંચાઈવાળા સ્થળોએ ખસી જવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે.

Japan : 3 મીટર ઊંચી સુનામી લહેરોની આશંકા

જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ ઇવાતે (Iwate), આઓમોરી (Aomori) અને હોકાઈડો (Hokkaido) ના તટીય વિસ્તારોમાં 3 મીટર (આશરે 10 ફૂટ) સુધી ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની આશંકા છે. વડાપ્રધાન સનાએ તાકાઈચીએ તાત્કાલિક ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી રાહત અને બચાવ કામગીરી પર દેખરેખ શરૂ કરી છે.

બુલેટ ટ્રેનો થંભી, ન્યુક્લિયર પ્લાન્ટમાં હાઈ એલર્ટ

ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે જાપાનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના કારણે ટોક્યોથી આઓમોરી વચ્ચે ચાલતી તમામ બુલેટ ટ્રેનોની અવરજવર તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઓનાગાવા ન્યુક્લિયર પ્લાન્ટ સહિતના સંવેદનશીલ એકમોમાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સુનામીની લહેરોથી થનારા સંભવિત નુકસાનથી બચવા માટે બંદરો પર લાંગરેલા જહાજોને દરિયાના ઉંડાણવાળા ભાગ તરફ ખસેડવામાં આવ્યા છે.

જાપાનમાં ઇમરજન્સી જેવો માહોલ

સમગ્ર જાપાનમાં હાલ સાયરનોના અવાજ ગુંજી રહ્યા છે અને બિલ્ડિંગો પર ચેતવણીના મેસેજ ફ્લેશ થઈ રહ્યા છે. જાપાનના સ્કેલ મુજબ આ ભૂકંપ ‘Upper 5’ શ્રેણીનો હતો, જેનો અર્થ એ થાય કે આંચકા વખતે વ્યક્તિનું ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. હાલમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સુનામીના ખતરાને જોતા તંત્ર હાઈ એલર્ટ પર છે.


આ પણ વાંચો:  મહેસૂલ વધારવા માટે જાપાનનો અજીબ પ્રયોગ, યુવાનોને વધુ દારૂ પીવા કરી હતી અપીલ

આ પણ વાંચો:  જાપાનને પણ પાછળ છોડ્યું, ભારત બન્યું ચોથું અર્થતંત્ર…..

આ પણ વાંચો: જાપાનમાં 7.5 તીવ્રતા ભૂકંપ, સુનામીની ચેતવણી અને ભારે નુકસાનની શક્યતા