Junagadh CA Kidnapping Milan Chauhan: જૂનાગઢ શહેરમાંથી ગત ૨૩ તારીખની રાત્રે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકના અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અપહરણકર્તાઓએ યુવકને છોડવા માટે ₹60 લાખની તોતિંગ ખંડણી માંગી હતી, પરંતુ પોલીસની ભીંસ વધતા આખરે આરોપીઓએ યુવકને હેમખેમ છોડી દેવો પડ્યો છે.
Junagadh: શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં CA નો વ્યવસાય કરતા મિલન ચૌહાણ નામના યુવકનું ગત ૨૩ તારીખની રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ મિલનના પરિવારજનોમાં ફાળ પડી હતી. આ મામલે અપહરણકર્તાના સાળા યશ મારૂએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

₹60 લાખની ખંડણી અને પોલીસની કાર્યવાહી
અપહરણકર્તાઓએ મિલન ચૌહાણને મુક્ત કરવાના બદલામાં પરિવાર પાસે ₹60 લાખની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાતા જ જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ અપહરણકર્તાઓ સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી.
પોલીસના ડરથી જામનગર પાસે યુવકને છોડ્યો
પોલીસની તપાસનો ધમધમાટ જોઈ અપહરણકર્તાઓ ફફડી ઉઠ્યા હતા. પોલીસ પકડાઈ જશે તેવા ડરથી આરોપીઓએ મિલન ચૌહાણને જામનગર નજીક સુરક્ષિત રીતે છોડી દીધો હતો. મિલન મુક્ત થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
આરોપીઓની શોધખોળ તેજ
આ સમગ્ર કેસમાં જય ઓડેદરા સહિતના શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસ હાલ આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડી રહી છે. જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે.
