Gujarat News/ 18 વર્ષ અને 250 કરોડનો ખર્ચ છતાં કલ્પસર યોજના હજુ કલ્પનામાં જ, જુઓ ક્યાં જાય છે કરોડો રૂપિયા?

ગુજરાતની કલ્પસર યોજના (Kalpsar Yojana) 18 વર્ષ બાદ પણ શરૂ થઈ શકી નથી. અત્યાર સુધી માત્ર રિપોર્ટ પાછળ 250 કરોડ ખર્ચાયા છે. જાણો શું છે લેટેસ્ટ અપડેટ.

Gujarat Top Stories Others
Kalpsar Yojana Budget and Expense

Kalpsar Yojana Budget and Expense: ગુજરાતમાં જળક્રાંતિ લાવવાના દાવા સાથે શરૂ થયેલી ‘કલ્પસર યોજના’ આજે પણ માત્ર સરકારી ફાઇલોમાં જ કેદ છે. છેલ્લા 18 વર્ષથી આ યોજનાની ચર્ચાઓ ગાજી રહી છે, પરંતુ જમીન પર એક ઈંટ પણ મુકાઈ નથી. વિધાનસભા સત્રમાં વિપક્ષના સવાલો અને સરકારના જવાબોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જે પ્રોજેક્ટ ગુજરાતનું ભાગ્ય બદલવાનો હતો, તે અત્યારે માત્ર ‘સર્વે’ અને ‘રિપોર્ટ’ ના ખર્ચમાં જ અટવાયેલો છે.

6 મુખ્યમંત્રી બદલાયા, પણ યોજનાના ઠેકાણા નથી

વર્ષ 2002-03 માં જ્યારે આ યોજનાને વહીવટી મંજૂરી મળી ત્યારે ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજો દેખાતી હતી. જોકે, 18 વર્ષના લાંબા સમયગાળામાં રાજ્યમાં 6 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગયા તેમજ ડઝનેક ચીફ સેક્રેટરી નિવૃત્ત થઈ ગયા હોવા છતાં, કલ્પસર યોજના હજુ ‘કલ્પના’માંથી બહાર આવી નથી. આટલા વર્ષોના વિલંબને કારણે ખર્ચમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે, જેના પરિણામે શરૂઆતમાં જે યોજનાનો અંદાજિત ખર્ચ 25,000 કરોડ રૂપિયા હતો, તે હવે વધીને 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જવાની શક્યતા છે.

સર્વે પાછળ જ 250 કરોડનો ધુમાડો

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં માત્ર 8 સર્વે રિપોર્ટ પાછળ જ 2.268 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ ઉપરાંત, પ્રોજેક્ટના રિપોર્ટ અને શક્યતદર્શી અહેવાલો તૈયાર કરવામાં અત્યાર સુધીમાં અંદાજે 250 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આટલો મોટો ખર્ચ થવા છતાં, દર વખતે વિધાનસભામાં સરકાર દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે, “DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.”

શું છે Kalpsar Yojana અને તેના ફાયદા?

આ પ્રોજેક્ટ નર્મદા યોજના બાદ ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખંભાતના અખાતમાં વહી જતા સાત નદીઓના મીઠા પાણીને રોકીને વિશાળ સરોવર બનાવવાનો છે. આ યોજનાથી સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું અને સિંચાઈનું મીઠું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ ઉપરાંત, ખંભાતના અખાત પર 30 કિમી લાંબો હાઇવે બનવાથી ભાવનગર (ઘોઘા) અને ભરૂચ (દહેજ) વચ્ચેનું અંતર ઘટશે. તેમજ દરિયામાં વહી જતું મીઠું પાણી રોકવાથી સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે.

જનતાની આશા પર ટેકનિકલ અવરોધોનું ગ્રહણ

સરકાર વારંવાર ટેકનિકલ અવરોધો, દરિયાઈ ભરતી-ઓટના રિસર્ચ અને જટિલ ડિઝાઇનનું કારણ આપીને કામ ટાળી રહી છે. વાસ્તવિકતા એ છે કે 18 વર્ષ બાદ પણ પ્રોજેક્ટ રિપોર્ટ ફાઈનલ થયો નથી. શું આ યોજના ક્યારેય પૂરી થશે કે પછી દર વર્ષે કરોડો રૂપિયા માત્ર કાગળ પરના સર્વેમાં જ ખર્ચાતા રહેશે? તે એક મોટો પ્રશ્ન છે.


આ પણ વાંચો: જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: જળસંચય અભિયાન હેઠળ 45 ગામે વિકાસ કાર્યનો પ્રારંભ

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા