Ashes series/ બ્રિસબેન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પર ભારી પડ્યાં કાંગારુ, સીરીઝમાં મેળવી 1-0 ની લીડ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ચોથા દિવસે જ બ્રિસબેન ટેસ્ટ 9 વિકેટે જીતીને એશિઝ સીરીઝમાં શાનદાર શરૂઆત કરી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

Sports
Ashes Series

બ્રિસ્બેનનાં ગાબા ખાતે રમાયેલા પ્રથમ ટેસ્ટમાં ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગ્સ અને ડેવિડ વોર્નર તથા માર્નસ લેબુશેનની અડધી સદી બાદ પેટ કમિન્સની ઘાતક બોલિંગનાં દમ પર ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

આ પણ વાંચો – રેકોર્ડ બ્રેક / ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં ઈતિહાસમાં જે કોઇ ન કરી શક્યું તે Joe Root એ કરી બતાવ્યું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ચોથા દિવસે જ બ્રિસબેન ટેસ્ટ 9 વિકેટે જીતીને એશિઝ સીરીઝમાં શાનદાર શરૂઆત કરી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચનાં ચોથા દિવસે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ 297 રન પર પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે યજમાન ઓસ્ટ્રેલિયાને માત્ર 20 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. માર્કસ હેરિસ 9 અને માર્નસ લાબુશેન ખાતુ ખોલ્યા વિના અણનમ પરત ફર્યા હતા. બીજી ઇનિંગમાં ડેવિડ વોર્નરની જગ્યાએ કેરીને તક આપવામાં આવી હતી. મેચનાં ચોથા દિવસે, કાંગારૂ ઓફ સ્પિનર ​​નાથન લિયોને પિંચ પર પગ જમાવીને રમી રહેલા ડેવિડ મલાનને લેબુશેનનાં ​​હાથે કેચ આઉટ કરીને તેની ટેસ્ટ કારકિર્દીની 400મી વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા માટે શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા બાદ લિયોન માત્ર ત્રીજો બોલર છે જેણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. લિયોને 400મી વિકેટ મેળવવા માટે લગભગ એક વર્ષ રાહ જોવી પડી હતી. તેણે 19 જાન્યુઆરી 2021નાં રોજ બ્રિસ્બેનમાં ભારત સામે તેની 399મી વિકેટ લીધી, જ્યા વોશિંગ્ટન સુંદર તેનો શિકાર બન્યો હતો.

ઓસ્ટ્રેલિયાની જીતમાં ટ્રેવિસ હેડની મોટી ભૂમિકા હતી. હેડે એશિઝ ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. હેડે માત્ર 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 148 બોલમાં 14 ચોક્કા અને 4 છક્કાની મદદથી 152 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે 176 બોલમાં 11 ચોક્કા અને બે છક્કાની મદદથી 94 રન બનાવ્યા હતા જ્યારે માર્નસ લાબુશેને 117 બોલમાં 6 ચોક્કા અને બે છક્કાની મદદથી 74 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં માત્ર 147 રનમાં જ સમેટાયા બાદ અને ઓસ્ટ્રેલિયાએ 425 રન બનાવ્યા બાદ ઈંગ્લેન્ડ મોટી હારનાં આરે આવી ગયું હતું, પરંતુ બીજી ઇનિંગમાં કેપ્ટન જો રૂટ અને ડેવિડ મલાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 162 રનની ભાગીદારીએ કાંગારૂઓની ચિંતામાં વધારો કર્યો હતો. જો કે આ ભાગીદારી તૂટ્યા બાદ ઈંગ્લેન્ડને ઓલઆઉટ થતા વધુ સમય લાગ્યો ન હતો. બીજી ઈનિંગમાં લિયોને ચાર ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા અને આ રીતે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ 297 રનમાં સમેટાઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા હવે સીરીઝમાં 1-0 ની લીડ મેળવી શક્યુ છે.