ઇન્ડિયન પ્રીમિયર લીગની 39 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ કોલકાતા નાઈટ રાઇડર્સને 8 વિકેટથી હરાવીને પ્લેઓફમાં આગળ ડગલુ ભર્યુ છે. આરસીબીએ 13.3 ઓવરમાં કેકેઆરથી મળેલા ફક્ત 85 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ આરસીબીની 10 મેચોમાં 7 મી જીત છે, જ્યારે કેકેઆરની પાંચમી જીત છે. મેચમાં દેવદત્ત પાડિક્કલે 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. એરોન ફિંચે 16 રન બનાવ્યા હતા. ગુરકીરત સિંહ માને 26 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 17 બોલમાં અણનમ 18 રન બનાવ્યા હતા.
આ પહેલા બેંગ્લોરનાં બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સને 8 વિકેટ પર ફક્ત 84 રન પર રોકી દીધા હતા. કેકેઆર માટે કેપ્ટન ઇઓન મોર્ગન સૌથી વધુ 30 રનની ઇનિંગ્સ રમી હતી, જે 34 બોલમાં 3 ચોક્કા અને 1 સિક્સર સાથે આવી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મેદાન પર ટકી શક્યો નહતો અને વિકેટો પડતી રહી.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા કેકેઆરએ ફક્ત 3 રનો પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. શુબમન ગિલ અને રાહુલ ત્રિપાઠી માત્ર 1-1 રન જ બનાવી શક્યા હતા. ત્રીજા નંબરે આવેલા નિતીશ રાણા મોહમ્મદ સિરાજનાં હાથે બોલ્ડ થયો હતો. ટોમ બેન્ટન (10), દિનેશ કાર્તિક (4), પેટ કમિન્સ (4), કુલદીપ યાદવ (12) અને લોકી ફર્ગુનસ (અણનમ 19) રન બનાવી શક્યા હતા. આરસીબી માટે સિરાજે 4 ઓવરમાં 8 રન આપ્યા હતા જેમા 2 ઓવર મેડન રહી હતી, સાથે 3 વિકેટ પણ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 15 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે નવદીપ અને વોશિંગ્ટન સુંદરએ 1-1 વિકેટ લીધી હતી.