દહેરાદૂનઃ ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગરમાં આવેલી એક સ્કૂલની વિદ્યાર્થિનીની સાથે તેની જ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ ગેંગરેપ કર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના જીઆરડી વર્લ્ડ સ્કૂલની છે. આ ગેંગરેપ સ્કૂલ સંકુલમાં જ કરવામાં આવ્યો હતો. આ કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિદ્યાર્થિનીએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. સ્કૂલના સંચાલકો પર આ કેસને દબાવી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હાલ જીઆરડી વર્લ્ડ સ્કૂલના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ સહિત નવ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા લોકોમાં ચાર સગીર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
પીડિત વિદ્યાર્થિની દિલ્હીની રહેવાસી છે. આ વિદ્યાર્થિનીનો આરોપ છે કે, ગત તા. 14મી ઓગસ્ટના રોજ તેની જ સ્કૂલના દસમાં ધોરણના અને 12માં ધોરણના ચાર વિદ્યાર્થીઓએ મળીને તેના પર ગેંગરેપ કર્યો હતો. તેણે સ્કૂલના સંચાલકોને આ અંગેની ફરિયાદ પણ કરી હતી. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
આ સમગ્ર કેસ બાળ સંરક્ષણ આયોગ પાસે પહોંચ્યો હતો. આ પછી બાળ સંરક્ષણ આયોગ દ્વારા સ્કૂલ અને પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષા ઉષા નેગીએ આ સમગ્ર ઘટના અંગે સ્કૂલના તંત્રને જવાબદાર ગણાવ્યું હતું.
બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષા ઉષા નેગીએ જણાવ્યું હતું કે, આ ઘટના માટે સ્કૂલ તંત્ર જવાબદાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સ્કૂલના ડિરેક્ટર એવું કહીને બચી રહ્યા છે કે, આ ઘટના અંગેની તેમને કોઈ જાણકારી નથી, તેઓ આ મામલે નિર્દોષ છે.
હાલમાં, પોલીસે આ કેસમાં આરોપી વિદ્યાર્થીઓની સાથે સાથે સ્કૂલના સંચાલક વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનો આરોપ છે કે, સ્કૂલના સંચાલકોએ આ કેસને દબાવવાની સાથે સાથે સત્યને છૂપાવવાનો પણ ગુનો આચર્યો છે.