Exclusive/ ગાંધીનગરમાં હવે ‘કાર્યકર્તાઓની સરકાર’

હવે વર્તમાન સરકારની સંપૂર્ણ બાગડોર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલના હાથમાં છે. ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં થઈ રહેલા ગણગણાટ મુજબ મોટા ભાગના મંત્રીઓ કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા વ્યક્તિગત રીતે પ્રદેશ અધ્યક્ષને મળે છે

Mantavya Exclusive
gujarat Vidhansabha ગાંધીનગરમાં હવે 'કાર્યકર્તાઓની સરકાર'
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક વર્ષ પહેલા સરકારના મંત્રીઓને લોકોની સમસ્યા સાંભળવા બેસાડવાની સૂચનનો અમલ થયો પણ તે અમલ બહુ લાંબો ન ટક્યો. થોડા જ સમયમાં મંત્રીઓની લીલા કમલમ પરથી સંકેલાઈ ગઈ. જાેકે હવે નવનિયુક્ત સમગ્ર મંત્રીમંડળ સંગઠનને સાથે રાખીને કામગીરી કરી રહ્યુ છે. સંગઠન અને સરકારના આ તાલમેલથી કાર્યકર્તાઓને પણ લાગી રહ્યુ છે કે હવે કાર્યકર્તાઓના કામને અગ્રીમતા મળી રહી છે.
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે એક વર્ષ પહેલા વિજય રુપાણી સરકારના મંત્રીઓને કમલમ પર બેસાડી લોકોની ફરિયાદો સાંભળવા સૂચન કરેલુ. એ સૂચનનો અમલ બહુ લાંબો  સમય થયો નહી પરંતુ હવે જે રીતે માત્ર એક વર્ષ માટે પણ સરકાર બદલાઈ છે અને શરુઆતથી જ જે રીતે પ્રદેશ અધ્યક્ષ સમગ્ર નિમણુકોમાં સક્રિય રહ્યા છે તે જાેતા સ્પષ્ટપણે લાગી રહ્યુ છે કે, હવે વર્તમાન સરકારની સંપૂર્ણ બાગડોર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલના હાથમાં છે. ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં થઈ રહેલા ગણગણાટ મુજબ મોટા ભાગના મંત્રીઓ કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા વ્યક્તિગત રીતે પ્રદેશ અધ્યક્ષને મળે છે અને પ્રદેશ અધ્યક્ષ પણ સતત મંત્રીઓને માર્ગદર્શન આપવામાં વ્યસ્ત રહે છે. મોટા ભાગે આ બેઠકો સી. આર. પાટિલ ના ગાંધીનગર સ્થિત બંગલે થાય છે. પાટિલના બંગલે મંત્રીઓની આવનજાવન સતત ચાલુ જ રહે છે.
સચિવાલયમાં ચર્ચાતી વિગતો મુજબ સી. આર.પાટિલે તમામ મંત્રીઓને સૂચના આપી છે કે કાર્યકર્તાઓના કામને અગ્રીમતા આપવી. જેના પગલે નાનામાં નાનો કાર્યકર્તા પણ હવે મંત્રીઓને મળવા આવે છે અને પોતાના બાકી કામનુ લિસ્ટ મંત્રીઓને પકડાવે છે. કેટલાક મંત્રીઓ વ્યક્તિગત રીતે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ સંગઠનો અને સરકારી તેમજ સહકારી સંસ્થાઓને ફોન કરી રહ્યા છે અને તેમની કોઈ સમસ્યા હોય તો જણાવવા કહી રહ્યા છે. મોટાભાગના મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ અધિકારીઓ સાથે પરિચય બેઠકો ગોઠવી દીધેલી અને બાદમાં જરુરી સૂચનાઓ પણ આપવાનું શરુ કરી દીધેલુ. હવે માત્ર એક જ વર્ષનો સમય નવા મંત્રીઓ પાસે છે ત્યારે પ્રત્યેક મંત્રી પોતાને મળેલી કામગીરી ઝડપથી અને સુપેરે આગળ વધારવામાં લાગી ગયા છે. કાર્યકર્તાઓના વ્યક્તિગત કોલ પણ મંત્રીઓ અટેન્ડ કરી રહ્યા છે. કેટલાક મંત્રીઓ કાર્યકર્તાઓની સમસ્યા તાત્કાલિક ધોરણે સુલઝાવી રહ્યા છે જેના પગલે હવે કાર્યકર્તાઓને વર્તમાન સરકાર પોતીકી સરકાર લાગી રહી છે. હાલ તો નવા મંત્રીઓ તેમના પ્રથમ વિધાનસભા સત્રમાં વિપક્ષના સવાલોના જવાબ આપવાની તૈયારીમાં લાગેલા છે.
વિધાનસભાનું બે દિવસીય સત્ર પૂર્ણ થયા બાદ મંત્રીઓ જન આર્શિવાદ યાત્રામાં જાેડાશે. 30 સપ્ટેમ્બરથી યોજાઈ રહેલી જન આર્શિવાદ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમનુ મંત્રીમંડળ જાેડાશે. પ્રત્યેક મંત્રીઓ તેમના મતવિસ્તાર અને તેની આસપાસના નજીકના વિસ્તારોમાં જન આર્શિવાદ યાત્રા કરશે.