Anand News: આણંદના ખંભાત તાલુકાના વૈણજ-આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણ (Khambhat Chemical Pollution)ની આશંકાથી પશુઓના ટપોટપ મોત થતાં પશુપાલકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 7 ભેંસોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે આશરે 15 પશુઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ફરી એક વખત વિસ્તારમાં વધી રહેલા પ્રદૂષણ (Khambhat Chemical Pollution) અને તેના કારણે સજીવો પર થઈ રહેલી અસર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ચરતા પશુઓ અચાનક બીમાર પડ્યા, 7નાં મોત
ખંભાત ગ્રામ્ય હદના વૈણજ-આખોલના ભાઠા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ચરતાં પશુઓ અચાનક બીમાર પડવા લાગ્યા હતા. ત્યારબાદ 7 ભેંસોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃત પશુઓમાં ભાઠા વિસ્તારમાંથી 5 ભેંસો ઉપરાંત પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડના વાડાની એક અને વલ્લુભાઈ હરિભાઈ ભરવાડના વાડાની એક ભેંસનો સમાવેશ થાય છે.
બીજી તરફ આશરે 15 પશુઓ હાલમાં ગંભીર સ્થિતિમાં હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. પશુઓમાં ચામડીને નુકસાન થવા સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે પશુઓનાં મોતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
Khambhat Chemical Pollution: બે દિવસ પહેલાં 200 જેટલા પક્ષીઓનાં મોત
આ વિસ્તાર માટે ચિંતાજનક બાબત એ છે કે માત્ર પશુઓનાં મોતનો જ મામલો નથી. અગાઉ વટાદરા અને વત્રા સીમ વિસ્તારમાં આશરે 200 જેટલા બબ્લર પક્ષીઓનાં પણ રહસ્યમય સંજોગોમાં મોત થયાં હતાં. એક તરફ પક્ષીઓનાં મોત અને બીજી તરફ પશુઓમાં ગંભીર બીમારી તથા મોતની ઘટનાઓ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં પર્યાવરણીય પ્રદૂષણ (Khambhat Chemical Pollution) અંગે ચિંતા વધી છે.

GPCBની ટીમે સ્થળ તપાસ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. ટીમ દ્વારા ભાઠા વિસ્તાર તેમજ આસપાસ આવેલા ઝીંગા અને મત્સ્ય તળાવોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ પાણીમાં કોઈ હાનિકારક કેમિકલ અથવા પ્રદૂષક તત્વની હાજરી છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
વિસ્તારમાં કેમિકલ કંપનીઓ અને ઝીંગા તળાવો
સ્થાનિક માહિતી મુજબ સોખડા, દહેડા, પાંદડ, વડગામ અને તડાતળાવ સહિતના વિસ્તારોમાં આશરે 35 જેટલી કંપનીઓ આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં કેમિકલ સંબંધિત એકમો હોવાનો દાવો કરવામાં આવે છે. બીજી તરફ વૈણજ, નવી આખોલ, વડગામ અને નવાગામબારા સહિતના દરિયાઈ ભાઠા વિસ્તારમાં 200થી વધુ ઝીંગા અને મત્સ્ય તળાવો હોવાનું જણાવાય છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક એકમો અથવા તળાવોમાંથી નીકળતું દૂષિત પાણી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ભૂગર્ભ પાઈપલાઈન મારફતે કેમિકલયુક્ત પાણી દરિયા તરફ છોડવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ થઈ શકશે.
પશુપાલકોમાં રોષ: ‘અમારી આજીવિકા જ પશુઓ પર નિર્ભર’
સ્થાનિક પશુપાલક વલ્લુભાઈ ભરવાડે આક્ષેપ કર્યો છે કે ભાઠા વિસ્તારમાં ચાલતા ઝીંગા-મત્સ્ય તળાવો અને કંપનીઓમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓનાં મોત થઈ રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, અનેક પરિવારોની આજીવિકા પશુપાલન પર આધારિત છે. પશુઓ બીમાર પડતાં અને મૃત્યુ પામતાં પરિવારોને આર્થિક નુકસાનની સાથે રોજગારીનું પણ મોટું સંકટ ઊભું થયું છે.
પશુપાલક મહિલાની આંખમાં આંસુ
પશુપાલક જબુબેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ પોતાના પશુઓને પરિવારના સભ્યની જેમ સાચવતા હતા અને તેમની આવકનો મુખ્ય આધાર પણ આ પશુઓ જ હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં આશરે 15 કે તેથી વધુ ભેંસો કેમિકલની અસરની આશંકાથી ગંભીર રીતે બીમાર પડી છે અથવા મૃત્યુ પામી છે. એક ભેંસની કિંમત આશરે દોઢથી બે લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ હોવાથી ગરીબ પશુપાલકો માટે આ નુકસાન મોટો આઘાત છે.
પોલીસમાં જાણવાજોગ ફરિયાદ
આ સમગ્ર મામલે પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. બીમાર પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સકોની ટીમ કામે લાગી છે. મૃત પશુઓનું પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને જરૂરી નમૂનાઓ વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. હવે FSL અને પાણીના સેમ્પલના રિપોર્ટ પરથી મોતનું કારણ જાણી શકાય તેવી શક્યતા છે.
Khambhat Chemical Pollution: અધિકારીઓએ શું કહ્યું?
પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઋચિક આંજણાના જણાવ્યા મુજબ, મૃત પશુઓનું સ્થળ પર પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પશુઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે નમૂનાઓ FSLમાં મોકલવામાં આવ્યા છે. GPCBના રિજનલ ઓફિસર પવન શર્માએ જણાવ્યું કે બોર્ડની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને તપાસ કરી છે. ભાઠા વિસ્તાર ઉપરાંત આસપાસના ઝીંગા તળાવોમાંથી પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Khambhat Chemical Pollution: એક વર્ષ પહેલાં પણ 13 પશુઓનાં મોત થયા હતા
આ ઘટના નવી નથી. ગત વર્ષે 23 જુલાઈના રોજ આ જ વિસ્તારમાં 13 પશુઓનાં મોત થયાં હતાં. તે સમયે કરવામાં આવેલા FSL રિપોર્ટમાં પાણીમાં કેમિકલની હાજરી હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત પશુપાલકોને પ્રતિ પશુ રૂ. 37,500ની સહાય ચૂકવવામાં આવી હતી. એક વર્ષ બાદ ફરી પશુઓનાં મોતની ઘટના સામે આવતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી અને પ્રદૂષણ (Khambhat Chemical Pollution) રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે સવાલો ઊભા થયા છે.
Khambhat Chemical Pollution: હવે રિપોર્ટની રાહ
હાલમાં પશુઓનાં મોત અને બીમારી પાછળ ખરેખર કેમિકલયુક્ત પાણી જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે સત્તાવાર નિષ્કર્ષ તપાસ બાદ જ આવશે. GPCBના પાણીના નમૂનાઓ, FSL રિપોર્ટ અને પશુઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વના સાબિત થઈ શકે છે. પશુપાલકોની માગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પ્રદૂષણ (Khambhat Chemical Pollution)નું મૂળ કારણ શોધવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી સાથે અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે.
આ પણ વાંચો:બાવળા-ચાંગોદર હાઇવે પર ફીણવાળું શંકાસ્પદ પાણી, કેમિકલ પ્રદૂષણની આશંકા વચ્ચે સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચો:જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ! ભાદર નદીમાં કેમિકલના ફીણની ચાદર છવાઈ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ
