Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગઈકાલે ATS અને DRIનાં દરોડાં પડ્યાં હતા. જેમાં 107.663 કિલો સોનું અને 1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના ટ્રેડરે પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી જંગી રકમનું સોનું અને રોકડા સંતાડી રાખ્યા હતા.
મેઘ શાહ અને પિતા મહેન્દ્ર શાહ (કાળીયા)નું સંયુક્ત ષડ્યંત્ર ઝડપાયું છે. આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન (Search Operation) ચાલ્યું હતું. સર્ચ દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે, જેમાં 100 ગ્રામ સોનાના કુલ 879 બિસ્કીટ મળી આવ્યા છે. 87, 900 ગ્રામ સોનાના બિસ્કીટ, 19.663 કિલો જ્વેલરી, 1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ પણ મળી આવી છે. સર્ચ દરમિયાન 3 કરોડની કિંમતની ઘડિયાળો પણ મળી આવી છે. DRIએ સોનું, રોકડ અને કેટલાક દસ્તાવેજો કબ્જે કર્યા છે.
પિતા-પુત્ર બંધ કંપનીને ચાલુ બતાવી શેરબજારમાં લિસ્ટેડ કરી હતી. રોકાણકારોને વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવતા હતા. રોકાણ બાદ ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટના ભાવ અડધા થયા હતા. ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડોનું નુકસાન થયું હતું. 10થી 15 રૂપિયાના ભાવના શેરમાં મેઘ શાહે રોકાણ કરાવ્યું હતું. હાલ ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટના શેરનો ભાવ 1.59 રૂપિયા છે. મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસેના જેતરડા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલામાં મેઘ શાહનું નામ સામે આવ્યું છે. મેઘ શાહ (Megh Shah) મુંબઈમાં રહેતો હોવાનું સામે આવ્યું છે અને ‘ડબ્બા ટ્રેડિંગનો બાદશાહ’ તરીકે ઓળખાય છે. એજન્સીઓને એવી શંકા છે કે ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર્સ પણ તેની સાથે સંકળાયેલા છે. મેઘ શાહે શેરબજારમાં નાની સ્ક્રિપ્ટો અપડેટ કરીને ઘણા લોકોની સાથે ઠગાઈ કરી હતી અને ધીમે ધીમે આ મામલો કેન્દ્રીય એજન્સીઓ સુધી પહોંચ્યો, ત્યારબાદ તેના ઘણા વ્યવહારો અને વહીવટનું માઇક્રો-સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેઘ શાહનું ગુજરાત કનેક્શન પ્રકાશમાં આવ્યું.

શાહનાં કેટલાક શંકાસ્પદ કોલ્સ અને શહેરના પાલડીમાં એક સરનામું સતત સામે આવતા કેન્દ્રીય એજન્સીઓએ દરોડા પાડ્યાં હતા. માહિતી મુજબ મેઘ શાહ ઘણી સ્ક્રિપ્ટોને અપ-ડાઉન કરવાનો બાદશાહ ગણવામાં આવતો હતો. આ રીતે તેણે ઘણી સ્ક્રિપ્ટોમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. બાદમાં કરોડો રૂપિયા અને સોનું સાચવવા ફ્લેટ લીધો હોવાનું મનાઈ રહ્યું છે.
મેઘ શાહ પોતે બજાર બાઝીગર ગેમ્સ પ્રા.લિ.ના ડિરેક્ટર હોવાનું સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું છે. શરૂઆતમાં તેને એક એપ્લિકેશન લોન્ચ કરી હતી. જેમાં તે શેરબજારમાં રોકાણ અને કમાણી કેવી રીતે કરવી તે શીખવાડતો હતો તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. થોડા વર્ષો પહેલા હર્ષદ મહેતાએ આ રીતે સ્ક્રિપ્ટ સાથે ચેડાં કરીને બેનામી રૂપિયા ભેગા કર્યા હતા. એવી મોડસ ઓપરેન્ડી મેઘ શાહે અપનાવી છે તેમ હાલ એજન્સીઓનું માનવું છે તેમજ તે દિશામાં સઘન તપાસ પણ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:અમદાવાદમાંથી અંદાજે 83 કરોડથી વધુનું સોનુ પકડાયું
આ પણ વાંચો:એરપોર્ટ વિસ્તારમાં હોટેલમાં મહિલાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદના આંબારેલી અને કોકા ગામ વચ્ચે બેફામ ખનીજ ખનન
