Kite Festival/ પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

મકર સંક્રાતિ દેશના જુદા-જુદા રાજ્યમાં સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે અને આ દિવસે માત્ર પતંગ જ નથી ચગતી સાથે અનેક કાર્યો થાય છે..

Trending Lifestyle Mantavya Vishesh
Uttarayan

Uttarayan: 14 જાન્યુઆરીની વહેલી સવારથી જ આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગ અને લપેટ કાઇપ્યો છે, જેવી બુમોથી ગુંજી ઉઠતો માહોલ. આ તહેવાર એટલે ઉતરાયણ. ના..ના..મકરસંક્રાંતિ..અરે ના..રે પતંગોત્સવ..ખીચડી..બિહુ.., કેટકેટલા નામથી ઓળખાય છે આ તહેવાર. મકર સંક્રાતિ દેશના જુદા-જુદા રાજ્યમાં સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે અને આ દિવસે માત્ર પતંગ જ નથી ચગતી સાથે અનેક કાર્યો થાય છે..

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. હિન્દુ મહિના પ્રમાણે પૌષ શુકલમાં મકર સંક્રાંતિના (Uttarayan) તહેવારની ઉજવણી થાય છે. જયારે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.

ઉત્સવ એક નામ અનેક

મકર સંક્રાંતિ (Uttarayan) તહેવાર એક છે પરંતુ જુદા-જુદા રાજ્યમાં તેની ઉજવણીનું સ્વરૂપ અને નામ અલગ-અલગ છે. ગુજરાતની વાત કરીએ તો રાજય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. અહિં મકર સંક્રાંતિને ઉતરાયણ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. લોકો આખો દિવસ અગાશી પર ચઢી પતંગ ઉડાવવાની મજા માણે છે. તો રાત્રે તુક્કલ ઉડાવી આકાશને રોશનીથી ઝગમગ કરી દે છે. એટલુ જ નહીં હવે તો ઉતરાયણમાં ફટાકડા ફોડવાની પણ પ્રથા શરૂ થઇ છે. પણ આટલેથી અટકતુ નથી. ગુજરાતીઓ ઉતરાયણમાં પણ ડીજે વગાડી રાત્રે ગરબાના તાલે ઝુમીને જ તહેવારની પુર્ણાહુતી કરે છે. અને બીજી દિવસે વાસી ખીહર એટલે શુધ્ધ ગુજરાતીમાં કહીએ તો વાસી ઉતરાયણ ઉજવે છે. સાથે જ ઉંધીયા-ઝલેબીની લીજ્જત તો માણવાની જ. તો રાજસ્થાનમાં પણ આ પર્વને ઉતરાયણ તરીકે જ ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં મકરસંક્રાંતિને ખીચડીનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરી ચોખા અને દાળની ખીચડી ખાવામાં આવે છે. તલ અને ગોળનું દાન કરવાની પણ પરંપરા છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો ત્યાં સંક્રાંતિના નામથી ત્રણ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યારે તમિલનાડુમાં સંક્રાંતિને ખેતીના મુખ્ય તહેવાર પોંગલ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે દાર ચાવલ ખીચડીને ઘી માં બનાવીને લોકોને ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રના લોકો ઉતરાયણને સંક્રાંતિ તરીકે ઉજવે છે. મહારાષ્ટ્રીયન આ દિવસે ગજક અને તલના લાડુ ખાય છે અને દાન પણ કરે છે. એટલુ જ નહીં સંક્રાંતિના દિવસે એકબીજાને ભેટ આપીને શુભેચ્છા પણ પાઠવે છે. પશ્વિમ બંગાળમાં મકર સંક્રાંતિના દિવસે હુગલી નદી પર ગંગા સાગર મેળાનું આયોજન કરવામાં આવે છે. તો આસામમાં સંક્રાંતિને ભોગલી બિહુ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થતી હોવાથી ખેતરોમાં પાક લેવાની મોસમ શરૂ થાય છે પંજાબમાં મકર સંક્રાંતિને લોહડી તરીકે ઉજવવામાં આવે છે.

કેમ ખાવાય છે તલ-ગોળના લાડુ અને પકવાન

Makar Sankranti Food પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

ઉતરાયણનો (Uttarayan)પર્વ એટલે ખાવાની પણ મોજ પડી જાય છે. પરંતુ તેની પાછળ પણ તથ્ય રહેલુ છે. શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહે છે. જેના કારણે અનેક રોગ અને બીમારી શરીરમાં જલ્દી પ્રવેશી જાય છે. જેથી આ દિવસોમાં ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે, ખવાય છે અને વહેંચાય પણ છે.  તલથી શરીરમાં ગરમીનું તાપમાન બની રહે છે. જ્યારે શીયાળામાં શાકભાજીનો મબલખ પાક ઉતરે છે તેમાં પણ ખાસ કરીને લીલા શાકભાજીને મીક્સ કરીને બનાવવામાં આવતા જુદા-જુદા પ્રકારના ઉંધીયા ખાવાની પણ જાણે ઉતરાયણમાં પરંપરા રહેલી છે. પરંતુ તેની પાછળનું કારણ પણ મુખ્યત્વે તો આરોગ્ય જ છે.

દાન પુણ્ય, પૂજા અને સ્નાનનું મહત્વ

એમ કહેવાય છે કે (Uttarayan)આ દિવસે સૂર્યદેવે પોતાના પુત્ર શનિદેવ પ્રત્યેનો ગુસ્સો ત્યજી દીધો હતો અને તેમના ઘરે આવી ગયા હતા. જેથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજારો ગણુ વધી જાય છે. ઉતરાયણના દિવસે ગંગાસાગરમાં ભવ્ય મેળો ભરાય છે. આ દિવસથી ધનારક પણ સમાપ્ત થઇ જાય છે એટલે કે શુભ મહિનો શરૂ થાય છે. માટે પણ માન્યતા રહેલી છે કે સારી શરૂઆત પુણ્યથી કરવામાં આવે છે. જેથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉતરાયણનું મહત્વ સમજાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે સમગ્ર પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. માટે જ ભીષ્મ પિતામહે સૂર્ય ઉત્તરાયણ થયા ત્યારે જ શરીરનો ત્યાગ કર્યો, ત્યાં સુધી બાણની સૈયા પર પીડા સહન કરતા રહ્યાં. તો મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઇને સાગરમાં ભળી ગયા હતા. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ માટે મકર સંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. અને દાન-પુણ્ય, તર્પણ કરવાનું અનેરૂ મહાત્મય રહેલુ છે.

પતંગમહોત્સવ

Untitled 12 1 પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

મકર સંક્રાંતિને પતંગ મોહત્સ (Uttarayan) પણ કહેવામાં આવે છે. અને સમગ્ર દેશમાં પતંગ મોહત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે. ક્યાંક બારે મહિના પતંગ ઉડે છે તો ક્યાંક ઉનાળા વેકેશનમાં પતંગ ઉડાવવામાં આવે છે. તો વળી ક્યાંક આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પતંગ ઉડાવવા પાછળ પણ મુખ્ય કારણ રહેલુ છે. શીયાળમાં રોજ રોજ સવારે અગાશી પર લટાર મારવાની તક કે પછી આખો દિવસ અગાશીએ ચઢી ગામ ગપાટા કરવાનો લહાવો મળતો નથી. જેના કારણે શીયાળામાં જે પ્રમાણે શરીરમાં સૂર્ય પ્રકાશની જરૂરીયાત હોય છે તે પુર્ણ નથી થતી. પરંતુ ઉતરાયણના દિવસે અગાશી પર પતંગ ચઢાવવાથી શરીર માટે લાભદાયક રહે છે. હાડકા, ત્વચામાં પણ ઉર્જા આવે છે. ઉત્સવની સાથે આરોગ્યનો લાભ પણ મળે છે.

પતંગનો ઇતિહાસ અને બિઝનેશ

ઉતરાયણમાં (Uttarayan) પતંગપ્રેમીઓ બેહિસાબ પતંગની ખરીદી કરે છે. ભારતનું સૌથી મોટુ પતંગ માર્કેટ અમદાવામાં આવેલું છે. અમદાવાદમાંથી જ દેશના ખૂણે-ખૂણે પતંગ પહોંચાડવાનું કામ થાય છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દેશનું સૌથી મોટું પતંગનું જથ્થાબંધ માર્કેટ છે. જે દસ હજાર કરતા પણ વધુ કારીગરોને વર્ષ દરમિયાન રોજગારી આપે છે. અંદાજે 55 જેટલા પતંગ ઉત્પાદકો સાતથી લઇને દસ કરોડ જેટલી પતંગો બનાવે છે. કહેવાય છે કે 1914માં ઉત્તર પ્રદેશથી સનાઉલ્લાખાન અમદાવાદ આવ્યા હતા અને તેમને પ્રથમ વખત અહીં આવીને પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. એ સમયમાં અમદાવાદમાં પતંગ બનાવનારા તેઓ પ્રથમ કારીગર હતા. વર્તમાન સમયમાં તેમની ચોથી પાંચમી પેઢી પતંગ બનાવવાનું કામ કરી રહી છે. સનાઉલ્લાખાનની શરૂઆત પછી અનેક પરિવારો પતંગ ઉદ્યોગ સાથે જોડાયા અને ધીમે-ધીમે અમદાવાદ ભારતનું સૌથી મોટુ પતંગ માર્કેટનું હબ બની ગયું. અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં ખંભાત, મહેમદાવાદ અને નડિયાદ પતંગ બિઝનેશું નોંધપાત્ર બજાર કહી શકાય.

પતંગનો ટ્રેન્ડ આ રીતે નક્કી થાય છે

sarfudin shekh પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

અમદાવાદ કાઇટ એસોસીએસનના પ્રમુખ સરફુદ્દીન શેખ કહે છે, પતંગનો બિઝનેસ બારેમાસ ચાલતો વ્યવસાય છે. પતંગનો (Uttarayan) ટ્રેન્ડ કેવી રીતે નક્કી થાય છે તે વીશે વાત કરતા કહે છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતથી લઇને દિવાળી સુધી સાદી પતંગો જ બનાવવામાં આવે છે. ત્યાં સુધી માર્કેટના માહોલની પણ માહિતી મળી રહે છે. આવનારી નવી ફિલ્મો, બાળકો માટે કાર્ટુન કેરેકટર, પોલીટીકલ વાતાવરણ જેવી અનેક વેરાયટીનો ટ્રેન્ડ બદલાતો રહે છે. જો કે દિવાળી પછી પતંગની પસંદગી નક્કી થઇ જાય છે. માટે નવેમ્બર પછી ટ્રેન્ડીંગ પતંગો જ બનાવવામાં આવે છે.

ખંભાતી પતંગનું મહત્વ કેમ

પતંગ ઉત્સવમાં  ખંભાતી પતંગની આગવી વિશેષતા રહેલી છે. જેના કારણે તે વિશ્વ સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે. બે ઇંચથી લઇને આઠ ફૂટ સુધીના પતંગો ખંભાતના માર્કેટની રોનક વધારે છે. ઉતરાયણમાં ભગવાનના મંદિરની સજાવટ માટે ઉપરાંત ઘરને શુશોભીત કરવા માટે ટચૂકડી પતંગની ડિમાન્ડ રહે છે. જેનું ઉત્પાદન ખંભાતમાં સવિશેષ જોવા મળે છે. તો વળી 8 ફૂટના ચંદરવો, રોકેટ જેવા પતંગો પતંગ રસિકોમાં ઓન ડિમાન્ડ રહે છે. જે 400થી લઇને 2000 સુધીમાં વેચાય છે. ઉપરાંત ખંભાતની પાન ટોપા, ચોકડો, ચીલ, ચાંદ, ડબલ દિવ, દિવો, ચાપટ, પાવલા, બામચી, પીવીસી, ચંદરવો, કનકવો, ફેન્સી ચાપટ, ખાખી ઢગલ, મોટા મેટલ સહિત અનેક ડિઝાઇની પતંગ છે.

મકર સંક્રાંતિનો તહેવાર મહિલા લક્ષી

nasrudin sekh પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

પતંગના વ્યવસાય વીશે ગુજરાત કાઇટ મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડિંગ એસોસીએશનના વાઇસ પ્રેસીડેન્ટ નશરૂદ્દીન શેખ કહે છે, દેશના જુદા-જુદા રાજ્યોમાં અમદાવાદમાં બનતી પતંગોનું જ ડીસ્ટીબ્યુટ થાય છે. અમારા ત્યાંથી જથ્થાબંધ માલ લઇને વેપારીઓ પતંગનો છુટક બીઝનેસ કરે છે. કરોડો રૂપીયાનો બિઝનેશ વર્ષ દરમિયાન થતો હોય છે. એમ કહી શકાય કે પતંગનું કામ આખા વર્ષ દરમિયાન પંદરેક દિવસ જ બંધ રહેતુ હશે. જાન્યુઆરીના છેલ્લા વીકથી ફેબ્રુઆરીના બીજા વીક સુધી પતંગ બનાવવાનું કામ બંધ હોય છે. બાકી વર્ષ દરમિયાન કામકાજ ચાલતુ જ રહે છે. આ એક જ બિઝનેશ એવો છે જે વર્ષ દરમિયાન લોકોને કામ આવે છે. ઉપરાંત સંર્પુણ હોમમેડ ટલે કે હાથબનાવટનો છે. પતંગ બનાવવા માટે કોઇ પણ પ્રકારના મશીનનો યુઝ થતો નથી. જેના કારણે લોકોને કામ મળી રહે છે. માત્ર અમદાવાદમાં જ દસ હજાર જેટલા લોકો આ કામ સાથે જોડાયેલા છે. જેમાં 70થી 80 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

પતંગ ગમે તે પણ માંજો તો સુરતી જ..

Kite Manja 120121 1200 PTI પતંગોત્સવ..ઉતરાયણ..મકર સંક્રાંતિ..ઉજવણી.. આ ઉત્સવમાં રહેલુ છે ઘણું બધુ

સુરતી માંજો બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ અલગ પ્રકારની છે. સુરતી માંજો બનાવનાર કારીગરોને બહારગામથી વિશેષ બોલાવવામાં આવે છે. સુરતી માંજાને તૈયાર કરવા માટે એક બાજુ ચરખો તો તેની સામે નિષ્ણાત કારીગર હોય છે. માંજાને રંગમાંથી બોળીને ચરખા પર ચઢાવવામાં આવે છે.  તેની પર કાચ ચઢાવવાની અનોખી રીત જ આ સુરતી માંજાને બીજા બધા કરતાં અલગ બનાવે છે. સુરતી માંજો તૈયાર કરવાની પણ એક વિશેષ ટેકનિક છે. જેના કારણે સુરતી માંજો દેશ-વિદેશ પ્રખ્યાત છે. જે તૈયાર કરવામાં સરસ, સફેદ પાઉડર, મેંદો, મનપસંદ રંગ, ફેવિકોલ, જરૂરિયાત મુજબના કાચનો ઉપયોગ થાય છે. સુરતી માંજો તૈયાર કરતાં પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે. માંજો તૈયાર કરતાં પહેલાં સૌપ્રથમ સરસના ટુકડા કરીને એને પાણીમાં નાખીને ઓગાળવામાં આવે છે. આ સરસને આખી રાત ગરમ કરવામાં આવે છે અને એને એકદમ લૂગદી જેવું ચીકણું બનાવી દેવામાં આવે છે. પછી એમાં ફેવિકોલ, કલર, મેંદો, સફેદ પાઉડર અને કાચનો ભૂકો મિક્સ કરી એકદમ ભેળવી દેવામાં આવે છે. સરસ અને ફેવિકોલથી દોરી પર કલર ચોંટી રહે છે અને દોરી કડક રહે છે. અન્ય જગ્યા પણ આ પ્રકારે માંજો બનાવવામાં આવે છે પરંતુ સુરતી માંજા જેવો નથી બનતો. જેની માટે તાપી નદીના પાણીને પણ મહત્વનું ગણવામાં આવે છે.