ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દુનિયાનો કોઈ ક્રિકેટર હાંસલ કરી શક્યો નથી.
હકીકતમાં, 33 વર્ષીય વિરાટ કોહલીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયનને પાર કરી ગઈ છે. આ રીતે તે 5 કરોડ કે તેથી વધુ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 મિલિયન ફોલોઅર્સ છે.
કોહલીને ફેસબુક પર 49 મિલિયન (4.90 કરોડ)થી વધુ લોકો ફોલો કરે છે. આ રીતે જો કોહલીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના કુલ ફોલોઅર્સ જોઈએ તો તેની સંખ્યા 310 મિલિયન (31 કરોડ) થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર કોહલીના ફોલોઅર્સ
ટ્વિટર પર: 50 મિલિયન
ઇન્સ્ટાગ્રામ પર: 211 મિલિયન
ફેસબુક પર: 49 મિલિયન
કુલ અનુયાયીઓ: 310 મિલિયન
ટોપ-100માં સામેલ એકમાત્ર ક્રિકેટર કોહલી-સચિન
ક્રિકેટરોમાં વિરાટ કોહલી પછી સચિન તેંડુલકર બીજા નંબરનો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. સચિનને ટ્વિટર પર 37.8 મિલિયન (3.78 કરોડ) લોકો ફોલો કરે છે. ટ્વિટર પર ફોલો કરવામાં આવનાર ટોપ-100 સેલિબ્રિટીઝની યાદી પર નજર કરીએ તો તેમાં કોહલી અને સચિન એકમાત્ર ક્રિકેટર છે.
ભારતમાં કોહલી કરતાં માત્ર પીએમ મોદી અને પીએમઓ આગળ છે
જો તમે ભારતમાં ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલા લોકોની યાદી પર નજર નાખો તો કોહલી આમાં ત્રીજું સ્થાન ધરાવે છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા 82.4 મિલિયન (8.24 કરોડ) છે. બીજા નંબરે પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય)નું ખાતું છે. તેમને 50.5 મિલિયન (5.05 કરોડ) લોકો ફોલો કરે છે.
ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય એકાઉન્ટ્સ
નરેન્દ્ર મોદી – 82.4 મિલિયન
પીએમઓ – 50.5 મિલિયન
વિરાટ કોહલી – 50 મિલિયન
કોહલી ઈન્સ્ટાગ્રામ પર દુનિયાનો ત્રીજો ખેલાડી
જો રમત જગતની વાત કરીએ તો, કોહલી ઇન્સ્ટાગ્રામ પર વિશ્વનો ત્રીજો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. આ મામલામાં પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે, જેના 450 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી બીજા નંબર પર છે. તેના 333 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.
નોંંધનીય છે કે કોહલીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 71મી સદી ફટકારી છે. તેણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે આ સદી ફટકારી હતી. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત બીજો ક્રિકેટર બન્યો છે. આ પછી તરત જ કોહલીએ સોશિયલ મીડિયા પર આ મોટી સિદ્ધિ મેળવી છે. તેના ચાહકોને આ સિદ્ધિ પર ગર્વ છે.