Indian Citizenship: કેન્દ્ર સરકારે ગુરુવારે (9 ફેબ્રુઆરી) કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લીધી છે. તેમાંથી ગત વર્ષ એટલે કે 2022માં સૌથી વધુ 2 લાખ 25 હજાર 620 લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જયારે 2020 માં 85 હજાર 256 લોકોએ સૌથી ઓછી નાગરિકતા છોડી દીધી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં (Indian Citizenship) પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી. વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 603 અને 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ ભારતની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો.
જયશંકરના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561, 2019માં 1 લાખ 44 હજાર 17, 2020માં 85 હજાર 256 અને 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.
મીડિયાના જણાવ્યા અનુસાર એસ જયશંકરે ગૃહમાં કહ્યું કે સંદર્ભ તરીકે, તેમણે મનમોહન સિંહ સરકાર દરમિયાનના આંકડા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે 2011માં 1 લાખ 22 હજાર 819, 2012માં 1 લાખ 20 હજાર 923, 2013માં 1 લાખ 31 હજાર 405 અને 2014માં 1 લાખ 29 હજાર 328 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. વર્ષ 2011 થી અત્યાર સુધીમાં 16 લાખ 63 હજાર 440 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે.
જયશંકરે સંસદમાં 135 દેશોની યાદી પણ આપી, જ્યાંના લોકોએ નાગરિકતા લીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ લોકોએ UAEની નાગરિકતા લીધી છે.