Rajkot News : રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. લોધિકા સંઘ ચૂંટણી (Lodhika Sangh Election) દરમિયાન પાર્ટીના વ્હિપના પાલનને લઈને ઉઠેલા સવાલો વચ્ચે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સમગ્ર મામલાની પ્રદેશ સ્તરે જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Lodhika Sangh Election : વ્હિપના અનાદર મામલે ચાર નામોની ચર્ચા

મળતી માહિતી મુજબ, લોધિકા સંઘની ચૂંટણીમાં પાર્ટીના વ્હિપનો અનાદર કરનારા નેતાઓ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખને જાણ કરવામાં આવી છે. આ મામલે મોકલાયેલા લિસ્ટમાં વિજય સખીયા સહિત વિજય કોરાટ, જયેશ બોઘરા અને ભૂપતસિંહ જાડેજાના નામોનો ઉલ્લેખ હોવાનું જાણવા મળે છે.
માધાપર બેઠક પર પૃથ્વીસિંહ જાડેજાને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, ચૂંટણીને લઈને વિજય સખીયા દ્વારા અલ્પેશ ઢોલરિયા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકોટ ભાજપ (Rajkot BJP) સંગઠનમાં ફરી ચર્ચા તેજ બની છે.
રાદડિયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
ચૂંટણીના પરિણામો બાદ રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા (Jayesh Radadiya)નું સમર્થન કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ વાયરલ થઈ રહી છે. યુવાનો દ્વારા કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં સહકારી ક્ષેત્રમાં રાદડિયાના પ્રભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘જંગલ કોઈ પણ હોય, સિંહ તો એક જ રહેશે’ જેવા સંદેશ સાથે અલગ-અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે. કેટલીક પોસ્ટમાં સૌરાષ્ટ્રના સાવજના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે સહકારી રાજકારણ (Cooperative Politics)ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ફરી ગરમાઈ છે.
કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણીની હાર
બીજી તરફ, લોધિકા સંઘની કુવાડવા જૂથ બેઠક પરથી રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી (Arvind Raiyani)ને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પરિણામ બાદ તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરવામાં આવી હતી.
રૈયાણીના ફોટા સાથે ‘સંઘર્ષ જ મારી જીત છે’ એવો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો. સાથે જ સત્તા કે ખુરશી પોતાનું લક્ષ્ય ન હોવાનું અને ભાજપમાં રહીને સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરતી પોસ્ટ પણ ચર્ચામાં આવી છે.
ચૂંટણીમાં પરાજય બાદ અરવિંદ રૈયાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની હાર સ્વીકારી હતી. જોકે, તેમણે પલોઠી વાળીને બેસી રહેવાનો પોતાનો સ્વભાવ ન હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાક્રમથી રાજકોટના ભાજપ વ્હિપ (BJP Whip), સહકારી ક્ષેત્રની ચૂંટણી અને પક્ષના આંતરિક રાજકારણને લઈને ચર્ચા ફરી તેજ બની છે. હવે પ્રદેશ સંગઠન આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
