Ahmedabad News/ મધ્યપ્રદેશના 6 હત્યાના કેસમાં ₹30 હજારનો ઇનામી આરોપી ઝડપાયો

મધ્યપ્રદેશના મુરેનામાં જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા (Murder Case)કરવાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે

Gujarat Ahmedabad
મધ્યપ્રદેશના મુરેનામાં જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા (Murder Case)કરવાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે

Ahmedabad News : મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા (Murder Case)કરવાના ચકચારી કેસમાં ફરાર (Absconding Accused)આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પર મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ₹30,000નું ઇનામ (₹30000 Reward)જાહેર કરવામાં આવ્યું હતું.

રામુસિંહ ધીરસિંહ તોમર (Ramu Singh Tomar)નામનો આરોપી હત્યાકાંડ બાદ અલગ-અલગ રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ઓળખ અને ગુનામાં સંડોવણીની ખરાઈ કર્યા બાદ તેને મધ્યપ્રદેશ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા

મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના (Morena Murder Case)જિલ્લાના લેપા ગામમાં મે 2023 દરમિયાન જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ ઘટનામાં એક જૂથના સભ્યોએ બીજા જૂથના પરિવારજનો પર બંદૂકોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારની આ ઘટનામાં એક જ પરિવારના કુલ 6 સભ્યોનાં મોત થયાં હતાં, જેમાં 3 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થતો હતો.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 70/2023 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 294, 323, 147, 148, 149 અને 506 તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 અને 27 હેઠળ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.

વર્ષ 2013ની હત્યાઓનો બદલો લેવાની અદાવત

પોલીસની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ હત્યાકાંડ પાછળ વર્ષો જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાવાયું હતું. લેપા ગામમાં વર્ષ 2013 દરમિયાન જમીન વિવાદના સંબંધમાં હાલના આરોપી રામુસિંહ ધીરસિંહ તોમરના કાકા વિરભાણસિંહ મુનસીસિંહ તોમર અને મોટા કાકા શોભરણસિંહ મુનસીસિંહ તોમરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓમાં રણજીતસિંહ મુન્નેસિંહ તોમર અને તેમના પરિવારજનોની સંડોવણી હોવાનો ઉલ્લેખ પોલીસની વિગતોમાં કરવામાં આવ્યો છે.

આ અગાઉની ઘટનાઓને કારણે બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. પોલીસની માહિતી અનુસાર, જૂની હત્યાઓનો બદલો લેવાની ભાવનાથી રામુસિંહ તોમર અને તેના પરિવારના સભ્યો રણજીતસિંહ તોમરના પરિવારને નિશાન બનાવવાની તક શોધી રહ્યા હતા.

દરમિયાન રણજીતસિંહ મુન્નેસિંહ તોમરના પરિવારની દીકરીનાં લગ્ન પ્રસંગે પરિવારજનો લેપા ગામે એકત્રિત થયા હતા. આ સમયે તેમના પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોનાં મોત થતાં આ બનાવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની તપાસ દરમિયાન ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

₹30 હજારનું ઇનામ જાહેર, ફરાર આરોપીઓની શોધ માટે SITની રચના

છ લોકોની હત્યાના આ ગંભીર કેસમાં ફરાર આરોપીઓને પકડવા માટે મુરેના જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.

ફરાર આરોપીઓને શોધવા માટે તેમની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ચંબલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ₹30,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, આરોપીને શોધી કાઢવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)પણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ કેસમાં ફરાર રામુસિંહ તોમર હરિયાણાના ગુરુગ્રામમાં રહે છે અને ત્યાંની એક વેરહાઉસમાં કામ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણા સુધી તપાસનો વ્યાપ વધાર્યો હતો.

ગુરુગ્રામના GIDC વિસ્તારમાંથી આરોપી ઝડપાયો

મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરિયાણાના ગુરુગ્રામ પહોંચી હતી. ત્યાં ગોપાલપુર GIDC વિસ્તારમાં ગઢી–હરસરુ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસને રામુસિંહ ધીરસિંહ તોમર મળી આવતાં તેની ઓળખ અને ગુનામાં સંડોવણી અંગે ખરાઈ કરવા માટે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો.

પૂછપરછ અને તપાસ દરમિયાન તે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 70/2023માં ફરાર આરોપી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હત્યાકાંડ બાદ ચાર રાજ્યોમાં ઓળખ છુપાવીને રહ્યો

ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ની પૂછપરછ દરમિયાન આરોપી હત્યાકાંડ બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં અલગ-અલગ સ્થળોએ રહેતો હોવાની વિગતો સામે આવી હતી. આ દરમિયાન તે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો અને જીવનનિર્વાહ માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે તેમજ છૂટક મજૂરીનું કામ કરતો હતો.

પોલીસની માહિતી મુજબ, આરોપી છેલ્લા આશરે એક વર્ષથી હરિયાણાના ગુરુગ્રામ GIDC વિસ્તારમાં આવેલી એક વેરહાઉસમાં કામ કરતો હતો. આ રીતે લાંબા સમય સુધી અલગ-અલગ સ્થળોએ રહ્યા બાદ આખરે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.

આરોપીનો પરિચય

પકડાયેલા આરોપીનું નામ રામુસિંહ ધીરસિંહ તોમર (Ramu Singh Tomar)છે અને તેની ઉંમર 37 વર્ષ છે. તેનું હાલનું સરનામું હરિયાણાના ગુરુગ્રામના ગઢી ગામમાં કરમવીર સૈનીના મકાન તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેનું મૂળ વતન મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ભીડોસા ગામમાં છે.

આરોપી સામે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 270/2021 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 307, 341, 147, 148 અને 149 મુજબ ગુનો નોંધાયેલો છે.

આમ, મધ્યપ્રદેશના ચકચારી હત્યાકાંડમાં લાંબા સમયથી ફરાર રહેલા અને ₹30,000નું ઇનામ ધરાવતા આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. હવે આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ‘બાબુ’ શબ્દે ખોલ્યો પ્રિન્સિપાલ હત્યાકાંડનો મોટો ભેદ! 10મા ધોરણના 2 વિદ્યાર્થીઓ પોલીસની અટકાયતમાં

આ પણ વાંચો: નિજ્જર હત્યાકાંડમાં ભારત સરકારનો હાથ નહીં, કેનેડાની તપાસમાં મોટો ખુલાસો, હવે અમેરિકા કેમ સક્રિય?

આ પણ વાંચો: કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક; બંને પરિવારની માતાઓ સામસામે, શું સિયા દોષિત છે?