Surat News/ ગુજરાતીઓને ‘અભણ’ કહેવા મામલે મલ્લિકાર્જુન ખડગેનું સરેન્ડર, X પર માંગી ગુજરાતીઓની માફી

કોંગ્રેસ પ્રમુખ Mallikarjun Khargeએ ગુજરાતીઓને ‘અભણ’ કહેવા મામલે X પર દિલગીરી વ્યક્ત કરી. ભાજપે આ નિવેદનને ગુજરાતી અસ્મિતાનું અપમાન ગણાવી સ્થાનિક ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવાની ચીમકી આપી.

Top Stories Gujarat Surat Others
Mallikarjun Kharge Gujarat Remark

Mallikarjun Kharge Gujarat Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા ગુજરાતીઓને લઈને આપવામાં આવેલા કથિત ‘અભણ’ વાળા નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને સીધો ‘ગુજરાતી અસ્મિતા’ સાથે જોડીને સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. ભારે વિરોધ અને ચારેબાજુથી ઘેરાયા બાદ આખરે મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે.

Mallikarjun Khargeનું ‘સરેન્ડર’: X પર લખી આ વાત

ગુજરાતમાં વધતા જતા રાજકીય આક્રોશ વચ્ચે ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું છે કે,

“ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઉદ્દેશ નહોતો.”

સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલના આકરા પ્રહાર

ખડગેના નિવેદન સામે સુરતમાં ભાજપ આક્રમક મૂડમાં છે. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ અને વિશ્વભરમાં વસતા કરોડો ગુજરાતીઓ આ અપમાન સાંખી નહીં લે. તેમણે કટાક્ષ કરતા કહ્યું, “આજે ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસથી લઈને અનેક ક્ષેત્રોમાં ડંકો વગાડી રહ્યા છે. આખી દુનિયા ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ માને છે, ત્યારે તેમને અભણ કહેવા તે ખડગેની મૂર્ખતા દર્શાવે છે.”

‘ગાંધી, સરદાર અને મોદીની માટીનું અપમાન નહીં સહેવાય’

પરેશ પટેલે ઈતિહાસનો હવાલો આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ એ જ માટી છે જ્યાંથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ દેશને આઝાદી અને એકતા અપાવી. આજે આજ માટીના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીને આજે આખી દુનિયા ‘વિશ્વગુરુ’ માને છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા નિંદનીય છે.

કોંગ્રેસને ગુજરાતીઓ સામે વાંધો શું છે?

ભાજપ નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને કેમ ટાર્ગેટ કરે છે? દેશની જીડીપી (GDP) માં ગુજરાતનો ૮% જેટલો સિંહફાળો છે અને પ્રોડક્શન તેમજ મેન્યુફેક્ચરિંગમાં રાજ્ય અગ્રેસર છે. વધુમાં, જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બની રહી હતી, ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. પોતાની મહેનતથી શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાતીઓ વિશે આવું નિવેદન કોંગ્રેસની હતાશા છતી કરે છે. આથી, ભાજપે ચીમકી આપી છે કે જો મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં માફી નહીં માંગે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પગ પર કુહાડી મારી?

રાજકીય પંડિતોનું માનવું છે કે, ગુજરાતમાં જ્યારે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનું આ નિવેદન ભાજપ માટે ‘બ્રહ્માસ્ત્ર’ સાબિત થઈ શકે છે. ભાજપ આ મુદ્દાને ‘અસ્મિતા’ સાથે જોડીને દરેક ઘર સુધી લઈ જશે, જેના કારણે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસને મોટો ફટકો પડવાની પૂરી શક્યતા છે.


આ પણ વાંચો: ગુજરાત BJPનું નવું એલાન! મીડિયા ટીમમાં ધવલ પટેલ-હેમાલી બોઘાવાલાની એન્ટ્રી

આ પણ વાંચો: નામ લીધા વિના MP ધવલ પટેલના પ્રહાર: ‘ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં વરસાદી પાણી ભરાય છે’

આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેતા ભાજપના સાંસદ ધવલ પટેલના વળતા પ્રહાર