પશ્વિમ બંગાળ/ બીરભૂમ હિંસા મામલે મમતા સરકાર એકશનમાં,અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

આરોપી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં હવે રામપુરહાટ એસડીપીઓ સયાન અહેમદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories India
12 22 બીરભૂમ હિંસા મામલે મમતા સરકાર એકશનમાં,અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસા બાદ હવે મમતા સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. વિપક્ષના તમામ આરોપો અને હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે સીએમ મમતા બેનર્જી પોલીસને કડક સૂચના આપી રહ્યા છે. જે બાદ આરોપી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં હવે રામપુરહાટ એસડીપીઓ સયાન અહેમદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રામપુરહાટમાં આ મોટી હિંસાની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રામપુરહાટના SDPOને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમની રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેઓ આ સમયે ફરજિયાત પ્રતીક્ષા પરના અધિકારી તરીકે અહીં રહેશે. એટલે કે અહીં જગ્યા ખાલી પડશે ત્યારે તેમની નિમણૂક કરવામાં આવશે. આ પહેલા પણ કેટલાક અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. રામપુરહાટમાં ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ તરીકે તૈનાત એક અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે ટીએમસીના એક નેતાની ધરપકડ કરી હતી. પોલીસે તૃણમૂલ કોંગ્રેસ (TMC) રામપુરહાટ-1ના બ્લોક પ્રમુખ અનારુલ હુસૈનની ધરપકડ કરી છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિસ્તારમાં સંભવિત અશાંતિ અંગે સ્થાનિક લોકોની આશંકાઓ પર ધ્યાન ન આપવા બદલ તેમની ધરપકડનો નિર્દેશ આપ્યો હતો. આ અશાંતિ પાછળથી હિંસામાં ફેરવાઈ ગઈ. અધિકારીએ જણાવ્યું કે, પોલીસે મુખ્યમંત્રીની સૂચનાના કલાકોમાં જ જિલ્લાના તારાપીઠમાંથી હુસૈનની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે સ્થાનિક ટીએમસી નેતાને તે ઘટના અંગે પૂછપરછ કરવામાં આવશે જેમાં મંગળવારે આઠ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 22 માર્ચ મંગળવારના રોજ બીરભૂમ જિલ્લાના રામપુરહાટ શહેર નજીક બોગતુઈ ગામમાં કેટલાક ઘરોમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકો સહિત 8 લોકો દાઝી ગયા હતા. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના એક પંચાયત અધિકારીની હત્યા બાદ બદલાની ભાવનાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.