Lifestyle: રાજસ્થાનના મારવાડ ક્ષેત્રની લસણ-લાલ મરચાની ચટણી (Marwadi Lahsun Chutney) પોતાના તીખા, ચટપટા અને જબરદસ્ત સ્વાદ માટે મશહૂર છે! આ ચટણીની ખાસિયત એ છે કે, એને થોડી માત્રામાં પણ ખાવામાં આવે તો થાળીમાં પીરસાયેલા સામાન્ય દાળ-રોટલી, બાજરાના રોટલા અથવા તો પરોઠા (Rotli, Rotla, Parotha, Rice)નો સ્વાદ અનેકગણો વધી જાય છે.
મારવાડી લસણ-મરચાની ચટણી (Marwadi Lahsun Chutney)થી વધશે થાળીની રંગત
સૂકા લાલ મરચા, તાજુ ફોલેલું લસણ અને અમુક ખાસ મસાલા દ્વારા તૈયાર કરવામાં આવતી આ ચટણી લાંબો સમય બગડતી નથી, એને બનાવીને તમે મહિનાઓ સુધી પણ સ્ટોર કરી શકો છો! જો તમે તમારા ભોજનમાં તીખો અને દેશી સ્વાદ (Desi Taste) પસંદ કરતા હો તો મારવાડની આ ચટણી તમારી થાળીની રંગત અનેકગણી વધારી દેશે!

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે લસણ-મરચાની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને ઓછી સામગ્રીની આવશ્યકતા રહેશે. જો તમે પણ તીખું ખાવાના શોખીન છો તો, આ તીખી તમતમતી રાજસ્થાની લસણ-મરચાની ચટણી (Rajasthani Chutney)ને અચૂક બનાવો અને એની મજા માણો…
શી રીતે બનાવશો મારવાડી લસણ-મરચાની ચટણી?
મારવાડી લસણ-મરચાની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
50 ગ્રામ લાલ મરચાં
અડધો કપ લસણ
અડધો કપ તેલ
બે ઇંચ સમારેલું આદુ
બે ચમચી આમલી
એક ચમચી જીરું
દોઢ ચમચી અથવા સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ અડધો કપ લસણ (Garlic) ફોલી લેવું.
2. હવે ગૅસ ઓન કરીને એક પેનમાં અડધો કપ તેલ ઉમેરો. જ્યારે એ ગરમ થાય ત્યારે એમાં સૂકા લાલ મરચા (Red Chilly) નાખો.
3. હવે આ મરચાને 3 થી 5 મિનિટ સુધી શેકી લો. જ્યારે એ શેકાઇ જાય ત્યારે એને કાઢીને એક અન્ય વાસણમાં કાઢી લેવા.
4. હવે આ જ તેલમાં ફોલેલા લસણને અને આદુને ઉમેરી દેવા. જ્યાં સુધી એ સોનેરી ન થાય ત્યાં સુધી એને શેકવાના રહેશે.
5. જ્યારે એ સરસ રીતે શેકાઇ જાય એટલે તરત જ ગૅસ બંધ કરી દેવો. હવે આ સામગ્રીને ઠંડી કરી લેવી.
6. ઠંડી કર્યા બાદ મરચા અને લસણ, આમલી (Tamarind) તથા અન્ય સામગ્રીને એકસાથે મિક્સર જારમાં ઉમેરી લો અને તદ્દન બારીક વાટી લો.
7. તમારી પાસે ખલ-દસ્તો કે વાટવાનો પત્થર હોય તો એના વડે પણ તમે ચટણીને બારીક વાટી શકો છો.
તો તૈયાર છે તમારી મારવાડ સ્પેશ્યલ લસણ-મરચાની ચટણી…જેને તમે 5-6 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને જો બહાર રાખશો તો એ એક મહીના સુધી પણ બગડશે નહિં! આ ચટણીને કાચના એક હવાચુસ્ત જાર (Airtight Container)માં સ્ટોર કરીને તમે એને દિવસો સુધી ઉપયોગમાં લઇ શકો છો.
આ સ્વાદિષ્ટ ચટણીને તમે રોટલી, પરોઠા, જાર કે બાજરીના રોટલા કે પછી ખીચડી અથવા દાળ-ભાતની સાથે ખાઇ શકો છો. લસણ ફોલવાની મહેનતને બાદ કરતાં, ફક્ત 10-15 મિનિટમાં જ તમે આ ચટણીને બનાવી શકો છો જે, તમારી ભોજનની થાળીના સ્વાદમાં રાજસ્થાની રોયલ સ્વાદનો વધારો કરશે!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!
