Maharashtra News : મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં દૂધ ભેળસેળનું (Milk Adulteration)મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા છ મહિનાથી મોટા પાયે ભેળસેળયુક્ત દૂધ બજારમાં વેચાતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલાએ ખાદ્ય સુરક્ષા અને લોકોના આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ દૂધમાં ફેટનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવા માટે ડિટર્જન્ટ પાવડર અને પામ ઓઈલ (Palm Oil)જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર દર 100 લિટર શુદ્ધ દૂધમાં અંદાજે 10 લિટર કૃત્રિમ રીતે તૈયાર કરાયેલ કેમિકલયુક્ત દૂધ ભેળવવામાં આવતું હતું.
આશરે 2.3 કરોડ લિટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ (Milk Adulteration)નું વેચાણ થયું હોવાની આશંકા
અધિકારીઓના પ્રાથમિક અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં આશરે 2.3 કરોડ લિટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ (Milk Adulteration)નું વેચાણ થયું હોવાની આશંકા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લગભગ 2,30,470 કિલોગ્રામ હલકી ગુણવત્તાના દૂધ પાવડરમાંથી અંદાજે 23.04 લાખ લિટર કૃત્રિમ દૂધ (Fake Milk)તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અસલી દૂધમાં ભેળવી બજારમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર કૌભાંડની અંદાજિત કિંમત રૂ. 9.21 કરોડ હોવાનું માનવામાં આવે છે.
આ મામલે પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે વિશેષ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોલીસ અને સંબંધિત વિભાગો દૂધના નમૂનાઓની વધુ વૈજ્ઞાનિક તપાસ કરાવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ કૌભાંડનું સાચું પ્રમાણ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : શું તમે પણ પીઓ છો દરરોજ ભેળસેળિયું દૂધ? આ રીતે, ઘરે બેઠાં કરો અસલી દૂધની પરખ!
આ પણ વાંચો : દૂધ પર ડાગ ! ઇટાલિયાએ ભાજપ પર લગાવ્યો સાવજ ડેરીના દૂધમાં કેમિકલ ભેળસેળનો આરોપ
આ પણ વાંચો : શું બાંકે બિહારી મંદિરમાં ભેળસેળયુક્ત દૂધ ચઢાવવામાં આવે છે? સંતોએ ઉઠાવ્યા પ્રશ્નો, સરકાર પાસે કરી આ માંગ
