Food Recipe: ગુજરાતની પરંપરાગત મીઠાઈઓમાં મોહનથાળનું (Traditional Gujarati Sweet Mohanthal) એક વિશેષ જ સ્થાન છે! એની દાણેદાર રચના, મોંમાં ઓગળી જતું ટેક્ષ્ચર, દેશી ઘીની સોડમ….વગેરેથી આ તહેવારો (Festivals) અને વિેશેષ પર્વ પર સૌની પ્રથમ પસંદ છે.
આ લાજવાબ મીઠાઈના સ્વાદનું અસલી રહસ્ય છે એને ધીમા તાપે શેકવી અને દૂધ-બેસનનો યોગ્ય સંગમ! બજારમાં મળતી મીઠાઈઓમાં ભેળસેળ (Adulterated Sweets)ની સંભાવના રહે છે અને આ સંજોગોમાં તમારા માટે અહિં અમે લઇને આવ્યા છીએ મોહનથાળ મીઠાઈની રેસિપી (Mohanthal Recipe)…મોહનથાળનું નામ જ મોહન અર્થાત્ કૃષ્ણ (Shree Krishna) પરથી પડ્યું છે, મોહનને ધરાવવા માટેનો થાળ અર્થાત્ ‘મોહનથાળ’!
શી રીતે બનાવશો મોહનથાળ? (Mohanthal Recipe)
મોહનથાળ બનાવવા માટેની સામગ્રી (Ingredients) અને બનાવવાની વિધિ અંગે જોઈશું.

સામગ્રી
1 કપ કરકરું બેસન
4-5 ચમચી દૂધ (મોણ માટે)
પા કપ દૂધ (શેકતી વખતે નાખવા માટે)
પોણો કપ દેશી ઘી
1 કપ ખાંડ
અડધો કપ પાણી
અડધી ચમચી ઈલાયચી પાવડર
એક ચપટી જાયફળ
એક ચપટી કેસર
બદામ-પિસ્તા વગેરેની કતરણ

બનાવવાની વિધિ
1, સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન લો અને એમાં 3-4 ચમચી નવશેકું દૂધ અને 3 ચમચી પીગળેલું ઘી (Besan, Warm Milk, Ghee) ઉમેરો. બંને હાથથી બેસનને સારી રીતે મિક્સ કરી લો જેથી ઘી અને દૂધ બેસનના દરેક કણને કવર કરી લે.
2. આ મોયેલા મિશ્રણને 15 મિનિટ સુધી ઢાંકી રાખો અને પછી એને કોઈ મોટી ચારણી વડે ચાળી લો. આ પ્રક્રિયા કરવી અત્યંત આવશ્યક છે કારણ કે, એનાથી જ મોહનથાળનું ટેક્ષ્ચર દાણેદાર બનશે!
3. એક જાડા તળીયાવાળી કડાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને એમાં આ તૈયાર કરેલું બેસન ઉમેરો. ગૅસનો તાપ તદ્દન ધીમો રાખવો અને સતત હલાવતા રહેવું. જેમ-જેમ આ મિશ્રણ શેકાતું જશે એમ-એમ એનો રંગ સોનેરી થશે એને એની સોડમ આખા ઘરમાં ફેલાઇ જશે.
4. જ્યારે બેસન હળવું સોનેરી થઈ જાય ત્યારે એમાં થોડુ-થોડું કરીને પા કપ દૂધ ઉમેરવું. દૂધ નાખતાવેંત, બેસનમાં ફીણ જેવું વળશે અને એ ફૂલવા લાગશે.
5. એને આ દરમિયાન, સતત હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ પૂર્ણ રીતે શોષાઈ ન જાય! આ સ્ટૅપ મિશ્રણને માવા (Mawa) જેવી સૉફ્ટનેસ અને રિચ સ્વાદ પ્રદાન કરે છે.
6. ત્યાર બાદ ગૅસ બંધ કરીને થોડી વાર હલાવીને મૂકી રાખવું.
7. હવે એક અન્ય વાસણમાં ખાંડ (Sugar) અને પાણી મિક્સ કરીને એને મધ્યમ તાપે થવા દેવું. લગભગ દોઢ તારની ચાસણી બનાવવી. ચાસણી જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એમાં કેસર, ઈલાયચી પાવડર અને જાયફળ (Saffron, Cardamom powder and Nutmeg) ઘસીને નાખવું.
8. આ તૈયાર ચાસણીને થોડી-થોડી કરીને શેકેલા બેસનના મિશ્રણમાં ઉમેરવું અને સારી રીતે મિક્સ કરવું.
9. હવે એક થાળી અથવા ટ્રેને ઘીથી ગ્રીસ કરીને એમાં આ મિશ્રણને પાથરી દેવું. મોહનથાળનું ચોસલું પડે એટલી જાડાઈ રાખવી.
10. એની ઉપર બદામ-પિસ્તા (Dry Fruits)ની કતરણ દબાવી દેવી. થોડુ ઠંડુ થાય એટલે એના ચોરસ ટુકડા કાપી લેવા.
તો તૈયાર છે તમારો સ્વાદિષ્ટ અને મોંમાં ઓગળી જાય એવો મઘમઘતો મોહનથાળ (Mohanthal)…જેને તમારા બાળ ગોપાળને ધરાવીને તમે એનો આનંદ માણી શકો છો!
આ પણ વાંચો: 1 ચમચી બેસનથી બનાવો આંધ્ર સ્ટાઈલ રીંગણની ચટણી…સરળ મજેદાર રેસિપી…
આ પણ વાંચો: સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
