Monsoon Update: દેશભરમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસું ફરી મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસોમાં ઉત્તર, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં તાપમાન ઘટશે, વરસાદની સંભાવના
દિલ્હી-એનસીઆરમાં સોમવારથી બુધવાર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વરસાદને કારણે દિવસનું મહત્તમ તાપમાન ઘટીને આશરે 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
સેટેલાઇટ તસવીરોમાં દેશભરમાં વાદળોની ચાદર
ISROની INSAT-3DR સેટેલાઇટ દ્વારા 19 જુલાઈએ લેવામાં આવેલી તસવીરોમાં દેશનો લગભગ 60થી 70 ટકા વિસ્તાર વાદળોથી ઘેરાયેલો જોવા મળે છે. જમ્મુ-કાશ્મીરથી લઈને ગંગાના મેદાનો અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધી વાદળોની ઘન ચાદર જોવા મળી રહી છે. સૌથી વધુ ઘન વાદળો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં નોંધાયા છે. દક્ષિણ દ્વીપકલ્પમાં પણ વાદળોની લાંબી પટ્ટીઓ સક્રિય જોવા મળી છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં આકાશ પ્રમાણમાં સ્વચ્છ રહ્યું છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનનું જોખમ પણ વધવાની શક્યતા છે.
મધ્ય અને પૂર્વ ભારત પર પણ વરસાદની અસર
મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારમાં વ્યાપક વરસાદની સંભાવના છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી
ઉત્તર-પૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ
પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવામાં વ્યાપક વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સાથે અનેક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લો-પ્રેશર સિસ્ટમથી ચોમાસું વધુ સક્રિય બનશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાતી નવી લો-પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ચોમાસાને વધુ સક્રિય બનાવશે, જેના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ
આ પણ વાંચો: 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 20 જુલાઈથી ગુજરાતમાં પણ બદલાશે હવામાન
