Bharuch MP Mansukh Vasava Controversy: પોતાના અણધાર્યા અને આકરા નિવેદનો માટે જાણીતા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર એક મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આયોજિત ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ ઔપચારિક બેઠકમાં તેમણે આપેલા એક આશ્ચર્યજનક નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો, વિકાસના કામો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે આદિવાસી સમાજના યુવાનોને બુટલેગરોના ઝેરી દારૂથી બચવા માટે મહુડાનો પરંપરાગત દારૂ ઘરે બનાવીને પીવાનું વિવાદાસ્પદ સૂચન કરી દેતા ચર્ચાનો દોર શરૂ થયો છે.
“કેમિકલયુક્ત દારૂ કરતાં મહુડાનો દારૂ સારો” : Mansukh Vasava
ગામની બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો નકલી દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બહારના બુટલેગરો મોટા-મોટા કન્ટેનરો ભરીને ઝેરી દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આ મુદ્દે બોલતા તેઓ વહેણ વહી ગયા હતા અને અજીબોગરીબ સલાહ આપતા જણાવ્યું કે, ‘બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે જ મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.’ ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં શાસક પક્ષના સાંસદની આ ખુલ્લી સલાહ બાદ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે.

‘નરેગા’ યોજના પર દોષ ઢોળ્યો
હાલમાં જ ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન થાય તે પહેલા જ મોટી-મોટી તિરાડો પડી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો, જેનાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ બેઠક દરમિયાન સાંસદે આ નબળા બાંધકામનો બચાવ કરતા સમગ્ર દોષ ‘નરેગા’ (NREGA) યોજનાની મર્યાદાઓ પર ઢોળી દીધો હતો. જો કે, તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે તેઓ પોતાની ગ્રાન્ટ કે અન્ય વ્યવસ્થામાંથી આનાથી પણ વધુ સારું અને નવું મકાન બનાવી આપશે.
‘ભણશો તો નોકરી હું અપાવીશ’ : Mansukh Vasava
દારૂના રવાડે ચડેલા આદિવાસી યુવાનોને આડે હાથ લેતા સાંસદે ભગવાન બિરસા મુંડાના આદર્શો યાદ અપાવ્યા હતા. તેમણે ટકોર કરી કે, ‘આપણે માત્ર ‘બિરસા મુંડા ઝિંદાબાદ’ના નારા લગાવીએ છીએ, પણ તેમના સંઘર્ષ અને સંસ્કારોને ભૂલી ગયા છીએ. આજનો યુવાન તીરકામઠા કે ચોપડીની જગ્યાએ હાથમાં દારૂની બોટલો લઈને ફરે છે.’ તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ સારું શિક્ષણ મેળવીને લાયક બને, સ્થાનિક ઉદ્યોગોમાં ઘણી નોકરીઓ છે અને લાયક યુવાનોને રોજગારી અપાવવાની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે.
બીજી તરફ, સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા વસાવાએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘આ વિરોધીઓને રાજકારણનો ‘ર’ પણ ખબર નથી.’ આજકાલના બની બેઠેલા નેતાઓને ભાજપે કરેલા મૂળભૂત વિકાસકામોની કોઈ જાણકારી જ નથી. વિરોધીઓ માત્ર આદિવાસી યુવાનો અને મહિલાઓને દારૂ પીવડાવીને ગેરમાર્ગે દોરવાનું અને તેમને નચાવવાનું સસ્તું રાજકારણ રમી રહ્યા છે. મનસુખ વસાવાના આ આકરા તેવર અને વિવાદાસ્પદ નિવેદન બાદ નર્મદા અને ભરૂચ જિલ્લાનું રાજકારણ બરાબરનું ગરમાયું છે.
આ પણ વાંચો: મનસુખ વસાવાનો ભાજપ પર જ પ્રહાર, જિલ્લા નેતાઓ સામે જાહેરમાં આક્ષેપ
આ પણ વાંચો: નર્મદા જિલ્લા પંચાયત હાર બાદ BJPમાં મનોમંથન, મનસુખ વસાવાના કડક પ્રહારો
આ પણ વાંચો: લોકોને દારૂના રવાડે ચઢાવનારા વિકાસ ન કરી શકેઃ મનસુખ વસાવા
