Lifestyle: દિવાળીના તહેવાર (Diwali Festival)ને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજ! આ દરમિયાન, મહેમાનોની આવ-જા ચાલુ જ રહે છે. બધા ઘરોમાં અવનવી મીઠાઈ અને ફરસાણ (Sweets & Snacks) બનાવવામાં આવે છે. અમુક લોકો બજારમાંથી તૈયાર મીઠાઈ અને ફરસાણ લાવવાનું પસંદ કરે છે. પરંતુ, ઘરે બનાવેલા નાસ્તાની તો વાત જ કેઇક ઓર હોય છે!
હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ એવા દિવાળીના તહેવારે મહેમાનો (Guests) ઘરે મળવા પધારે છે અને એમનું સ્વાગત ભાત-ભાતના મીઠાઈ અને ફરસાણ સર્વ કરીને કરવામાં આવે છે. અહિં, અમે તમારા માટે લઇને આવ્યા છીએ સ્વાદિષ્ટ ફરસાણની રેસિપી! આ એક એવું સ્નૅક છે કે, જેને એકવાર આરોગવાનું શરુ કરશો પછી રોકાવાનું નામ જ નહિં લો!
આ લાજવાબ ફરસાણ છે પૌંઆનો સ્વાદિષ્ટ ચેવડો (Poha Chivda)! આ ચટપટું નમકીન આમ તો, વિવિધ પ્રાંતોમાં અવનવી ઢબે બનાવવામાં આવે છે. એમાં મસાલા, ડ્રાયફ્રુટ્સ, સેવ, મખાના, કાજુ, કિશમિશ, ખાંડ-મીઠું, સીંગદાણા તથા સૂકું કોપરું વગેરે મનચાહી વસ્તુઓને પૌંઆમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. જો તમે તીખું ખાવાના શોખીન હો તો, એમાં લીલાં મરચાં પણ તળીને નાખી શકો છો. આજે અમે તમારા માટે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના પૌંઆના ચેવડાની રેસિપી (Maharastrian Recipe) લઇને આવ્યા છીએ. તો હવે વિના વિલંબે જાણીએ કે આ સ્પેશ્યિલ પૌંઆ રેસિપી કેવી રીતે બનાવશો…

મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પૌંઆ સ્નૅક શી રીતે બનાવશો?
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પૌંઆ ચેવડો બનાવવા માટે તમને જે સામગ્રીની આવશ્યકતા રહેશે એ વિશે તથા એને બનાવવાની વિધિ અંગે હવે જાણીશું. આ રેસિપી માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર રહેશે.

સામગ્રી
2 કપ નાયલોન પૌંઆ
2 મોટા ચમચા તેલ
1/4 કપ મગફળી
1/4 કપ સૂકા કોપરાની કતરણ
1/4 કપ કાજુ
1/4 કપ શેકેલી ચણાની દાળ
10-15 તાજા મીઠા લીમડાના પાન
1 ટુકડામાં સમારેલું લીલું મરચું
1/2 ચમચી સફેદ તલ
1/4 ચમચી હળદર
1 ચમચી દળેલી ખાંડ
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ, એક જાડા તળિયા વાળી કડાઇ કે પૅનમાં 2 કપ પૌંઆને નાખો.
2. હવે ધીમા તાપે ગરમ કરીને નાયલોન પૌંઆ (Naylon Poha)ને કુરકરા (Crispy) થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ એને એક પ્લેટમાં કાઢી લો.
3. આ જ કડાઇને કપડાથી લૂછીને એમાં 2 મોટા ચમચા તેલ નાખો. ત્યારબાદ એ ગરમ થાય એટલે એમાં સીંગદાણા (Peanuts) નાખીને એક મિનિટ સુધી શેકી લો.
4. હવે સૂકા કોપરા (Dry Coconut)ની કતરણને શેકી લો અને પછી કાજુ ઉમેરીને 30 સેકન્ડ સુધી શેકી લેવા.
5. હવે, સમારેલું લીલું મરચું, શેકેલી ચણાની દાળ (Chana Daal), તાજા મીઠા લીમડાના પાન, તલ નાખીને એક ચપટી હીંગ ઉમેરવી.
6. એમાં જ સૂકો મેવો (Dry Fruits) પણ સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
7. હવે ધીમા તાપે જ હળદર, દળેલી ખાંડ અને મીઠું ઉમેરીને સારી રીતે હલાવી લો.
8. કડાઇમાં શેકેલા પૌંઆ નાખીને આ મિશ્રણને તાવેથા વડે ધીમે-ધીમે મિક્સ કરો અને 1 મિનિટ સુધી શેકાવા દો.
9. આ ચેવડાને ચાખી લેવો જેથી મસાલા, દળેલી ખાંડ કે મીઠું જરુર જણાય તો ઉમેરી શકાય. તમારો સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન પૌંઆ ચેવડો સર્વ કરવા માટે તૈયાર છે.
સ્ટોર કરવાની રીત
ઘરે બનાવેલું આ ફરસાણ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખાવામાં પણ હળવું (Light Snack) હોય છે. નાના-મોટા સૌ કોઇને આ સ્નૅક ખૂબ જ પસંદ પડશે.
એને સ્ટોર કરતા અગાઉ તદ્દન ઠંડુ થવા દેવું. ત્યારબાદ, કોરા એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવું અને બહાર જ રાખવું. આ ફરસાણને 2 થી 3 અઠવાડિયા સુધી ખાઇ શકાય છે.
આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…
