Sabarkantha News : હિંમતનગર શહેરમાં પોન્ઝી સ્કિમો (Ponzi Scheme) ના કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે. RTO સર્કલ નજીક આવેલી એપી કન્સલ્ટન્સી ગ્રુપ નામની સંસ્થાએ ઉંચા વળતરની લાલચ આપી અનેક રોકાણકારોને છેતર્યાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીની સંડોવણી બહાર આવતા સમગ્ર મામલો વધુ ચોંકાવનારો બન્યો છે.
આરોપીઓએ 10થી 15 ટકા સુધીના માસિક વળતરની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. બાદમાં અચાનક ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં હડકંપ મચી ગયો હતો.
સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દંપતિ સહિત કુલ 12 રોકાણકારો આ પોન્ઝી સ્કિમનો શિકાર બન્યા છે. આ તમામ રોકાણકારોએ મળીને કુલ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રોકાણકારો હિંમતનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ઈડર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
પોલીસે પોન્ઝી સ્કિમ (Ponzi Scheme) નાં સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

મળતી માહિતી મુજબ, ગત સપ્ટેમ્બર માસથી એક નર્સિંગ કર્મીએ આ બાબતે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી, જોકે આખરે ચાર મહિના બાદ પોલીસે પોન્ઝી સ્કિમ (Ponzi Scheme) નાં સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ મામલે ધાણધાના અનિલ પરમાર અને તેની પત્ની નિકીતાબેન પરમાર સહિત કુલ છ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અન્ય આરોપીઓમાં હિતેન્દ્રસિંહ પરમાર, રણવિરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમારનો સમાવેશ થાય છે.
BZ કૌભાંડ બાદ હવે અડધો ડઝનથી વધુ પોન્ઝી સ્કિમો (Ponzi Scheme)સામે પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હજુ પણ કેટલાક પોન્ઝી સ્કિમો (Ponzi Scheme)ના શટર ખુલ્લા હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
