india news/ ભારત માટે મોટા સમાચાર! શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ પણ સુરક્ષિત, 46,000 ટન LPG ભારત આવશે

ઈરાને ભારતીય એલપીજી ટેન્કર ‘નંદા દેવી’ (Nanda Devi) ને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું છે. ભારતીય નૌસેનાની દેખરેખમાં આ જહાજ 46,000 ટન ગેસ સાથે ભારત આવી રહ્યું છે.

Top Stories NATIONAL India
Nanda Devi LPG Tanker

Nanda Devi LPG Tanker: મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતીય કૂટનીતિનો મોટો વિજય થયો છે. ઈરાને ભારતના બીજા એલપીજી ટેન્કર ‘નંદા દેવી’ ને પણ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ ‘શિવાલિક’ ટેન્કર પણ આ ખતરનાક રસ્તામાંથી હેમખેમ બહાર નીકળી ચૂક્યું છે. હાલમાં ભારતીય નૌસેના (Indian Navy) ના યુદ્ધ જહાજો આ ટેન્કરને એસ્કોર્ટ કરીને ભારત લાવી રહ્યા છે.

ભારતમાં ગેસ સંકટ વચ્ચે ‘Nanda Devi‘ ની એન્ટ્રી

ભારતના અનેક શહેરોમાં હાલમાં રસોઈ ગેસની ભારે અછત જોવા મળી રહી છે, ત્યારે આ સમાચાર કોઈ સંજીવનીથી ઓછા નથી. ‘નંદા દેવી’ નામનું વિશાળ જહાજ 46,000 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને ભારત આવી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા બાદ તરત જ ભારતીય નૌસેનાના જહાજોએ આ ટેન્કરનું સુરક્ષા કવચ સંભાળી લીધું છે અને તેને સુરક્ષિત રીતે ભારતીય બંદરો સુધી લાવવાની જવાબદારી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં આ જહાજ ભારત પહોંચશે, જોકે તે મુંબઈ બંદરે આવશે કે ગુજરાતના કંડલા બંદર પર તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Nanda Devi LPG Tanker

કંડલા બંદર પર જબરદસ્ત તૈયારી

યુદ્ધની સ્થિતિને જોતા ગુજરાતનું કંડલા બંદર હવે એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા માત્ર 72 કલાકની અંદર 22 જેટલા મોટા જહાજો ને હેન્ડલ કરી શકાય તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આગામી દિવસોમાં ગેસ અને તેલના પુરવઠાને ઝડપથી અનલોડ કરીને દેશભરમાં પહોંચાડવા માંગે છે.

‘ડાર્ક ટ્રાન્ઝિટ’ ની હવે જરૂર નહીં!

યુદ્ધ શરૂ થયા બાદ ભારત પહોંચનારું પહેલું જહાજ ‘શેનલોન્ગ’ (લાઇબેરિયાનું) હતું, જેણે છુપાઈને (Dark Transit) રસ્તો કાપ્યો હતો, પરંતુ ભારત અને ઈરાન વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય વાતચીત બાદ હવે ભારતીય ઝંડા ધરાવતા જહાજોને ઈરાન સત્તાવાર રીતે સુરક્ષિત માર્ગ આપી રહ્યું છે.

આ ક્રમમાં ‘શિવાલિક’ ઈરાન પાસેથી મંજૂરી મેળવનારું પહેલું ભારતીય એલપીજી ટેન્કર બન્યું હતું અને હવે ‘નંદા દેવી’ એ બીજું જહાજ છે જે 46,000 ટન ગેસ સાથે ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સફળતાને કારણે ભારતના અનેક રાજ્યોમાં પ્રવર્તી રહેલી ગેસની અછત ટૂંક સમયમાં દૂર થાય તેવી પ્રબળ શક્યતા છે, અને ભારતીય નૌસેનાની ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળની આ કામગીરીની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો:US–ઈરાન યુદ્ધ વચ્ચે નિકાસકારોને મોટી રાહત! સરકારનો મોટો નિર્ણય

આ પણ વાંચો:“ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જો તેઓ કંઈ કરશે…” ટ્રમ્પે મધ્ય પૂર્વના ઉથલપાથલ વચ્ચે તેહરાનને નવી ધમકી આપી

આ પણ વાંચો:અમેરિકા સામે ગલ્ફ દેશોની નારાજગી! ઈરાન યુદ્ધમાં આવ્યો નવો વળાંક