Not Set/ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાના નમૂનામાં કરાયા આટલા ફેરફાર

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજૂ કરવાના સોગંદનામાના નમૂનામાં સુધારા-ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોએ તેઓની સામેના ફોજદારી કેસો, મિલકત દેવું, જવાબદારી તથા શૈક્ષણિક લાયકાતની માહિતી દર્શાવતું સોગંદનામું હવે પછીની લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં સુધારેલા નમૂના પ્રમાણે જ ફોર્મ નં. 26માં રજૂ કરવાનું રહેશે […]

Top Stories India
Election Commission of India 1 ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાના નમૂનામાં કરાયા આટલા ફેરફાર

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુલક્ષીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રની સાથે રજૂ કરવાના સોગંદનામાના નમૂનામાં સુધારા-ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોએ તેઓની સામેના ફોજદારી કેસો, મિલકત દેવું, જવાબદારી તથા શૈક્ષણિક લાયકાતની માહિતી દર્શાવતું સોગંદનામું હવે પછીની લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં સુધારેલા નમૂના પ્રમાણે જ ફોર્મ નં. 26માં રજૂ કરવાનું રહેશે તેમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ.મુરલીક્રિષ્ણાએ જણાવ્યું છે.

સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને ધ્યાને રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે, જે ઉમેદવારો સામે ફોજદારી કેસો પડતર હોય કે ભૂતકાળમાં કોઇ કેસ સંદર્ભે સજા થઇ હોય તેવા ઉમેદવારોએ આ કેસોની વિગતો બહોળી પ્રસિદ્ધિ સારૂ જે-તે મતક્ષેત્ર વિસ્તારના બહોળો ફેલાવો ધરાવતા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવી પડશે.

નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખથી માંડી ચૂંટણીના બે દિવસ પૂર્વેના સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ અલગ-અલગ તારીખોએ આવી પ્રસિદ્ધિ કરવી પડશે. જે ઉમેદવારો સામે ફોજદારી કેસો હોય તેઓએ ટીવી ચેનલો ઉપર પણ નિયત સમયગાળા દરમિયાન ત્રણ અલગ-અલગ દિવસોએ તે અંગેની પ્રસિદ્ધિ કરવાની રહેશે. આવા ઉમેદવારોએ જે સમાચાર પત્રોમાં આ અંગેની પ્રસિદ્ધિ કરી હોય તેની નકલો જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણી ખર્ચના હિસાબોની સાથે રજૂ કરવાની રહેશે.

આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારોએ તેમની સામેના ફોજદારી કેસોની જાણ રાજકીય પક્ષને કરી હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ જાહેરાત કરવાની રહેશે. જે રાજકીય પક્ષોએ જેની સામે ફોજદારી કેસો પડતર હોય કે ભૂતકાળમાં તેવા કેસોમાં સજા થઇ હોય તેવા ઉમેદવારોને ઉભા રાખ્યા હોય તે પક્ષોએ પણ તે અંગેની જાહેરાત પોતાની વેબસાઇટ ઉપર તેમજ ટીવી ચેનલો અને રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા પ્રચલિત સમાચારપત્રોમાં કરવાની રહેશે.

અલબત, ટી.વી. ચેનલોમાં પ્રસારણ કરતી વખતે આવી જાહેરાત રાજકિય પ્રચાર-પ્રસાર માટેના પ્રતિબંધિત સમયગાળા એટલે કે મતદાન સમાપ્તિના છેલ્લા કલાક પૂર્વેના 48 કલાક દરમિયાન ન કરવામાં આવે તેની તકેદારી પણ રાખવાની રહેશે.

સુધારેલ નમૂનાની નકલ ભારતના ચૂંટણી આયોગની વેબસાઇટ www.eci.gov.in ઉપર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ચૂંટણી અધિકારીની કચેરીમાં પણ ઉપલબ્ધ થશે, જેની નોંધ લેવા દરેક રાજકીય પક્ષો અને જાહેર જનતાને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.