ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન સુનિલ ગાવસ્કરે કેટલાક વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે ઇમરાન ખાન પ્રધાનમંત્રી બનશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વન ડે મેચની કોમેન્ટ્રી દરમિયાન એમણે કહ્યું હતું કે ઇમરાન ખાન દેશના નવા પ્રધાનમંત્રી બની શકે છે.
હકીકતમાં કોમેન્ટ્રી બોક્સમાં ગાવસ્કર પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રમીઝ રાજા સાથે હતા. આ દરમિયાન બંને વચ્ચે ઈમરાનને લઈને વાતચીત શરુ થઇ અને રમીઝ રાજા એ ઈમરાનની મજાક ઉડાવી હતી. ત્યારે ગાવસ્કરે એમને કહ્યું કે સતર્ક રહો રેમ્બો, તમે જેની મજાક ટીવી પર ઉડાવી રહ્યા છે તેઓ આગળ જતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ બની શકે છે.
ગાવસ્કરનું આ કથન આજે સાચું થવા જઈ રહ્યું છે. 2012માં એશિયા કપ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા મેચમાં એમણે આ ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે. જોકે, મતગણતરીની ઝડપ ધીમી હોવાના કારણે ચૂંટણી પરિણામ સાફ થયા નથી.
પાકિસ્તાન ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ 270માંથી 250 સીટો માટે પરિણામ આવવાના શરુ થઇ ગયા છે. આમ પીટીઆઈ 109 સીટો સાથે સૌથી આગળ છે. જયારે પીએમએલ-એનને 62 સીટો અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 42 સીટો મળી છે. અપક્ષ ઉમેદવારોએ 12 સીટો પર જીત મેળવી છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને ચાર વિધાનસભા ચૂંટણી માટે બુધવારે મતદાન થયું હતું.