નવી દિલ્હી,
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવ્યા મુજબ, આગામી સમયમાં ભારત દુનિયાભરમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે, ત્યારે આ રિસર્ચને પુરવાર કરતો એક આંકડો સામે આવ્યો છે.
મંગળવારથી દુનિયામાં નવા વર્ષની શરુઆત થઇ છે ત્યારે આ વર્ષના પ્રથમ દિવસે જન્મનારા બાળકોનો એક આંકડો સામે આવ્યો છે, જેમાં ભારતમાં સૌથી વધુ ૬૯,૯૯૪ બાળકોએ જન્મ લીધો છે.
ભારતમાં જન્મેલા બાળકોનો આ આંકડો દુનિયામાં જન્મનારા બાળકોની સંખ્યાનો ૧૮ ટકા છે.
સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલા આંકડા મુજબ, નવા વર્ષના પહેલા દિવસે જન્મનારા બાળકોના મામલે ભારત બાદ ચીન ૪૪,૯૪૦ બાળકો સાથે બીજા અને નાઈજીરિયા ૨૫,૬૮૫ બાળકો સાથે ત્રીજા સ્થાને છે.
આ મામલે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ૧૫,૧૧૨ બાળકો સાથે ચોથા, ઇન્ડોનેશિયા ૧૩,૨૫૬ બાળકો સાથે પાંચમા, અમેરિકા ૧૦,૦૮૬ બાળકો સાથે છઠ્ઠા, કોન્ગો ૧૦,૦૫૩ બાળકો સાથે સાતમા અને બાંગ્લાદેશ ૮,૪૨૮ બાળકો સાથે નવમાં ક્રમાંકે આવે છે.
જોવામાં આવે તો, વર્તમાન સમયમાં ભારતની કુલ જનસંખ્યા ૧૩૦ કરોડ સાથે ચીન બાદ બીજા ક્રમાંકે છે. પરંતુ સયુંક્ત રાષ્ટ્રના તારણ મુજબ, વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારત આ મામલે પ્રથમ ક્રમાંકે પહોંચી શકે છે.