નવી દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ શનિવારના રોજ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાને લઇ ભાજપ, પીએમ નરેન્દ્ર મોદી તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે. તો બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ભાજપની ઉપલબ્ધીને “વિશ્વાસઘાત દિવસ” તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એકવાર પીએમ મોદી પર હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ ચાર વર્ષ પૂર્ણ થયા પર એક ટ્વીટ દ્વારા મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. ટ્વીટર પર જાહેર કરાયેલા રિપોર્ટમાં તેઓએ મોદી સરકારને ફેલ ગણાવી છે અને સરકારના કામકાજ અંગે ગ્રેડ પણ આપી છે.
કોંગ્રેસના અધ્યક્ષે મોદી સરકારને કૃષિ, રોજગારી, વિદેશ નીતિ અને તેલની વધતી જતી કિંમતોને પૂરી રીતે ફેલ ગણાવી છે જયારે પોતાનો પ્રચાર કરવા માટે તેમજ નારેબાજી કરવા માટે A+ ગ્રેડ આપી છે. આ ઉપરાંત યોગ પર B(-) ગ્રેડ આપી છે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ ટ્વીટર પર મોદી સરકાર પર હુમલો બોલ્યો છે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ભાજપની ઉપલબ્ધીઓને ફેલ બતાવતા આ દિવસને “વિશ્વાસઘાત દિવસ” તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ શનિવારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાઈ રહ્યું છે, જયારે દિલ્હીમાં પણ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો લખનઉમાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પકોડા વેચીને પ્રદર્શન કર્યું હતું.