શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિનામાં કરવામાં આવેલા સીઝફાયર ખતમ થવાની સાથે જ સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ શરુ કરવામાં આવ્યું છે, ત્યારે સોમવારે સવારથી જ સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવી રહ્યું છે.
બાંદીપુરામાં સેનાએ ૪ આતંકીઓને કર્યા ઠાર
સેના દ્વારા શરુ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે બાંદીપુરામાં ૪ આતંકીઓને ઠાર કર્યા છે. સેના દ્વારા આ એન્કાઉન્ટર બાંદીપુરામાં જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં હજી પણ લશ્કરના આતંકીઓનુ એક ગ્રુપ સક્રિય છે.
આ પહેલા રમઝાનના પવિત્ર માસ દરમિયાન સેના દ્વારા ૧૨ જૂનના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૪ જૂને પણ બે આતંકીઓને ઠાર કરાયા હતા.
સોમવારે સુરક્ષાબળોને બિજબેહરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારને સેના દ્વારા ઘેરવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
રમઝાનના મહિનામાં સરકાર દ્વારા કરાયું હતું સીઝફાયરનું એલાન
મહત્વનું છે કે, ૧૬ મેના રોજ કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં શાંતિનો સંદેશો આપવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાન દ્વારા તેની નાપાક હરકતો ચાલુ જ રાખવામાં આવી હતી અને બોર્ડર પર સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સીઝફાયરનું એલાન કર્યા બાદ ૧૭ મેથી ૧૪ જૂન સુધીના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં કુલ ૬૨ જેટલી આતંકી ઘટનાઓ સામે આવી હતી.
જો કે હવે ઈદ બાદ સીઝફાયર હટાવવામાં આવ્યું છે અને સેનાને ઓપરેશન ઓલઆઉટ શરુ કરવા માટે આદેશ આપ્યો હતો.