પંજાબમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ કમર્ચારીઓ માટે ડોપ ટેસ્ટ અનિવાર્ય કરવાના સરકારી ફેસલાએ રાજનીતિક રંગ લીધો છે. ભાજપ સાંસદ સુબ્રમણીયન સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સીધો આરોપ લગાવતા કહ્યું કે તેઓ ડ્રગ્સ લે છે. ખાસ કરીને કોકેઇન. અને જો એમનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે તો ટેસ્ટ ફેલ થઇ જશે. સુબ્રમણીયન સ્વામી કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલના એક નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
હરસીમરત કૌરે કહ્યું હતું કે પહેલા એ લોકો ડોપ ટેસ્ટ કરાવે જેમણે કહ્યું હતું કે 70 ટકા પંજાબી નશાખોર હોય છે. સુબ્રમણીયન સ્વામીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હરસીમરત કૌર જેના વિશે વાત કરી રહી છે તેઓ રાહુલ ગાંધી છે… હું એમને આ નિવેદન બદલ અભિનંદન આપું છુ. અને મારું કહેવાનું છે કે તેઓ પૂર્ણ સત્ય કહી રહ્યા છે કે એ લોકોનો પણ ટેસ્ટ થવો જોઈએ અને હું જાણું છું કે રાહુલ ગાંધી નિશ્ચિત પણે ટેસ્ટમાં ફેલ થઇ જશે. કારણ કે હું જાણું છુ તેઓ ખુબ વધારે પ્રમાણમાં નારકોટીકસ લે છે. ખાસ કરીને કોકેઇન.
જણાવી દઈએ કે પંજાબમાં કેફી દ્રવ્યોનો ખુબ ફેલાવો છે. ખાસ કરીને યુવાનો અને ગ્રામીણ લોકો આનાથી વધારે પ્રભાવિત છે. પંજાબની કોંગ્રેસ સરકાર ડ્રગ તસ્કરી કરતા લોકોને મૌતની સજા આપવા પર વિચાર કરી રહી છે. પંજાબ કેબિનેટે આ બાબતે પ્રસ્તાવ પાસ કરી લીધો છે અને મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. પંજાબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમન અરોડાએ ગુરુવારે મોહાલીમાં એક સરકારી હોસ્પિટલમાં ડોપ ટેસ્ટ કરાવ્યો હતો. અરોડાએ એક ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને એમની કેબીનેટને પણ ડોપ ટેસ્ટ કરાવવા પડકાર ફેંક્યો હતો.
અરોડાએ મોહાલી સિવિલ હોસ્પિટલમાં ડોપ ટેસ્ટ કરાવ્યા બાદ મિડિયાને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી પંજાબમાં કેફી દ્રવ્યોની સમસ્યા પર રોક લગાવવા માટે કોઈ પણ પ્રગતિશીલ પગલાનું સમર્થન કરશે. પરંતુ મુખ્યમંત્રીએ પોતાનો, મંત્રીઓનો અને કોંગ્રેસ ધારાસભ્યોનો ડોપ ટેસ્ટ શરુ કર્યો હોત, એ વધારે સારું રહેતું.