અમુક રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બેન્કોનું કામકાજ અટકી શકે છે. કારણ કે આ વિકેન્ડની સાથે જન્માષ્ટમીની રજાઓ આવી રહી છે અને સાથોસાથ આરબીઆઈનાં કર્મચારીઓ દ્વારા બે દિવસની સામુહિક હડતાલ ની ઘોષણા કરી દેવામાં આવી છે. દિલ્લીમાં 3 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રજા નથી, જેને કારણે બેન્કોનાં તમામ કામ થઇ શકશે. પરંતુ ગુજરાત, યુપી અને બીજા અમુક રાજ્યોમાં એટીએમ ટ્રાન્ઝેક્શન, ટ્રેઝરી અને મની માર્કેટ સંબંધિત વ્યવહારમાં બાધા (મુશ્કેલી) આવી શકે છે.

વાસ્તવમાં આ પરિસ્થિતિ યુનાઇટેડ ફોરમ ઓફ રિઝર્વ બેંક ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝના આહ્વાન પર બેંકના તમામ કર્મચારીઓ તા. 4 અને 5 સપ્ટેમ્બરનાં રોજ સામૂહિક હડતાલ પર ઉતરવાના છે તેના કારણે મુશ્કેલીઓ પેદા થઇ છે. રવિવારની રજા બાદ સોમવારે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોમાં જન્માષ્ટમીની જાહેર રજા છે. ત્યારબાદ બે દિવસ બેંક કર્મચારીઓ સામૂહિક હડતાલ પર ઉતરવાના છે. જોકે બેંક યુનિયન દ્વારા વાત ક્લીયર કરવામાં આવી છે કે, આરબીઆઈના કર્મચારીઓ રજા પર જઈ રહ્યા છે અને બેંક બંધ નહી હોય. જોકે આ કારણે બેંકના અમુક કામ પર આ હડતાલની અસર થઇ શકે છે.
નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ નાં વાઈસ પ્રેસિડેન્ટ અશ્વિન રાણાએ કહ્યું કે, ‘છ દિવસ સુધી બેંક બંધ રહેવાની વાત યોગ્ય નથી. દિલ્લીમાં સોમવારે જન્માષ્ટમીની રજા નથી અને તા. 4 અને 5 સપ્ટેમ્બરે આરબીઆઈનાં કર્મચારીઓ સામૂહિક હડતાલ પર જઈ રહ્યા છે નહી કે બેંકોના. પરંતુ એમણે એ વાત પણ સ્વીકારી કે કર્મચારીઓના સામૂહિક હડતાલ પર જવાથી બેંકોના કામકાજ પર આની સીધી અસર પડશે અને નાણાકીય લેણદેણ પર પણ અસર પડી શકે છે.

બેંકર્સનું કહેવું છે કે આરબીઆઈનાં બધા ઓપરેશન ઠપ થવાને કારણે ફોરેકસ અને મની માર્કેટ ની ગતિવિધિઓ લગભગ વધારે ઠપ રહેશે. કેશ અને કોન્ટ્રાકટ વિભાગમાં પણ આની અસર પડશે.
આરબીઆઈના કર્મચારીઓની માંગ છે કે, સીપીએફ નો વિકલ્પ પસંદ કરનારા કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ લેવાની પણ છૂટ મળે. સાથોસાથ 2012 બાદ નિયુક્ત થયેલા કર્મચારીઓને ઈપીએફનો લાભ પણ આપવામાં આવે.
