નવી દિલ્હી,
દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક દાવાઓ – પ્રતિદાવાઓ કરવામાં આવતા હોય છે. આ દાવાઓ ક્યારેક સાચા કે ખોટા, તે જાણવું ખુબ જ જરૂરી હોય છે.
આ જ પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ૧૦ ઓકટોબરના રોજ બિકાનેર ખાતે યોજાયેલી સંકલ્પ યાત્રામાં ૨૫ લાખ લોકો ઉમટ્યા હતા.
ફેસબુક પેજ પર કરાયેલી પોસ્ટમાં કરાયો આ દાવો
હકીકતમાં, ચાલુ વર્ષના અંતે રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગત ૧૦ ઓક્ટોબરના રોજ બિકાનેર ખાતે રાહુલ ગાંધીએ સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી અને ત્યારબાદ તેઓના ફેસબુક પેજ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી.
આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રેલીમાં ૨૫ લાખ લોકો ઉમટ્યા હતા અને ઇન્દિરા ગાંધીની રેલીમાં ઉમેટાલા ૨૦ લાખ લોકોની ભીડના રેકોર્ડને તોડી નાખ્યો છે.
આ પોસ્ટને ફેસબુક પર ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી છે, પરંતુ “Rahul Gandhi For PM”ના પેજ પરથી કરાયેલી આં પોસ્ટને ખબર લખ્યા સુધી ૧૬ હજારથી વધુ લોકોએ શેર કરી છે તેમજ ૯૫૦૦ લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે.
આ પોસ્ટ સાથે લખાયું છે કે, “ઇન્દિરાના પ્રપૌત્રએ તોડી દીધો ઇન્દિરાનો રેકોર્ડ”.
આ પોસ્ટ પાછળ શું છે સત્ય ?
હકીકતમાં, રાહુલ ગાંધીની બિકાનેર રેલીમાં ૨૫ લાખ લોકોની ભીડ આવી ન હતી. આ પોસ્ટમાં જે તસ્વીરનો ઉપયોગ કરાયો છે તે વર્ષ ૨૦૧૩માં હરિયાણાના તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની રેલીમાં જમા થઇ હતી.
કેવી રીતે કરવામાં આવી તપાસ ?
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પોસ્ટમાં જે તસ્વીરનો ઉપયોગ કરાયો છે, જેનો એક ભાગ ક્રોપ કરીને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કર્યા બાદ પહેલું રિઝલ્ટ હરિયાણાનું આવે છે.
ત્યારબાદ આ ઈમેજ પર ક્લિક કર્યા બાદ તમે આ તસ્વીરની પૂરી વિગત મેળવી શકો છો. આ જ રીતે વાઈરલ પોસ્ટની તપાસ કરતા સામે આવ્યું કે, આ તસ્વીર ૧૦ નવેમ્બર, ૨૦૧૩ છે, જયારે તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની હરિયાણાના ગોહાનામાં પોતાની સરકારના ૯ વર્ષ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધિઓ ગણાવતા શક્તિ રેલીને સંબોધિત કરી હતી.
આ ઉપરાંત અમારા દ્વારા કોંગ્રેસની ઓફિશિયલ ફેસબુક પેજ અને ટવિટર હેન્ડલ પર બિકાનેરરેલીની તસ્વીર શોધવામાં આવી ત્યારે ટવિટર પર જે પોસ્ટ કરાઈ હતી, જેમાં કોઈ પણ જગ્યાએ ભીડ જોવા મળી ન હતી.