Navsari News:નવસારી શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઢોરવાડામાં ઠંડીના કારણે અનેક ગાયોના મોત (Cow deaths) થયા હોવાની ઘટના સામે આવી છે. મૃત ગાયોના શરીરોને તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો ન હોવાથી ત્યાં આસપાસ વિચરતા શ્વાનોએ તેને ફાડીને ખાઈ લીધા હોવાના દૃશ્યો વાયરલ થયા છે. આ ઘટનાએ ગૌપ્રેમીઓ અને પશુપ્રેમીઓમાં તીવ્ર રોષ ફેલાવ્યો છે, અને તેઓએ મનપા તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગૌપ્રેમીઓનું કહેવું છે કે આ ઘટના મનપાની ગંભીર બેદરકારી અને ઢીલી વહીવટી વ્યવસ્થાનું પરિણામ છે.

મૃત ગાયને (Cow deaths) શ્વાનોએ ફાડી ખાતા ગૌપ્રેમીની લાગણી દુભાઈ
નવસારીમાં ચાલુ વર્ષની કડકડતી ઠંડીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલા અને ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓમાંથી અનેક ગાયોના મોત (Cow deaths) થયા હતા. સૂત્રો અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં ઢોરવાડામાં લગભગ 10થી વધુ ગાયો અને અન્ય પશુઓના મોત નોંધાયા છે. જોકે, મનપા તંત્ર દ્વારા આ મૃત પશુઓના શરીરોને તાત્કાલિક દફનાવવા અથવા યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી નહીં.
પરિણામે, ઢોરવાડાની આસપાસ વિચરતા અવારા શ્વાનોએ આ મૃત ગાયોને ફાડીને ખાઈ લીધી હતી.આ ઘટનાની જાણ થતાં જ નવસારીના વિવિધ ગૌપ્રેમી સંગઠનો અને સ્થાનિક નાગરિકોએ ઢોરવાડા પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ મનપા અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
